
રાજકોટમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશ.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧-૧૨ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૧-૧૨ જાન્યુઆરીએ ગુજરાતના પ્રવાસે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ રાજકોટ અને અમદાવાદમાં વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે તેમજ વિકાસકામોની સમીક્ષા બેઠક પણ યોજશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. આ કોન્ફરન્સમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, નીતિનિર્માતાઓ અને રોકાણકારો ભાગ લેશે. વડાપ્રધાન રાજકોટ પહોંચશે ત્યારે શહેરમાં ભવ્ય રોડ-શો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈ પોલીસ તંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે.
મંત્રીમંડળની તાજેતરમાં યોજાયેલી સાપ્તાહિક બેઠકમાં વડાપ્રધાનની મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં યોજાનારી રિજનલ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં વડાપ્રધાન મોદી સાથે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પણ હાજરી આપશે. આથી કોન્ફરન્સને આંતરરાષ્ટ્રીય સ્તરે વિશેષ મહત્વ પ્રાપ્ત થયું છે.
વડાપ્રધાન પોતાના પ્રવાસના બીજા દિવસે અમદાવાદ પહોંચશે, જ્યાં તેઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ઉત્તરાયણ પર્વના માહોલમાં વડાપ્રધાનની હાજરીને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ છે. સરકારના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, વડાપ્રધાન આ બે દિવસની મુલાકાત દરમિયાન અમદાવાદમાં રિવરફ્રન્ટ વિકાસ પ્રોજેક્ટ તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. સાથે જ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણ માટે તૈયાર કરાયેલા ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડ્ઢઁઇ) અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.
બિનસત્તાવાર સૂત્રો મુજબ વડાપ્રધાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટની પૂર્ણાહુતિ પ્રસંગે મેટ્રો દ્વારા સફર કરે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેમાં તેઓ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રેલમાં મુસાફરી કરી શકે છે. જાે કે આ બાબતે હજી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
વડાપ્રધાનની મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં નવી નિમણૂક પામેલા મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના નવા હોદ્દેદારો સાથે અનૌપચારિક બેઠક અથવા રાત્રિભોજન કાર્યક્રમ યોજાય તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનો સત્તાવાર કાર્યક્રમ હજી જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ ૧૧ અને ૧૨ જાન્યુઆરી દરમિયાન તેમનો રાજ્ય પ્રવાસ નિશ્ચિત હોવાનું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળે છે. આગામી દિવસોમાં વડાપ્રધાનના સંપૂર્ણ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.




