
આરોગ્ય કમિશનરે હોસ્પિટલોમાં રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ આરોગ્ય વિભાગ જણાવ્યું કે, હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દીઓની સલામતી સર્વોપરી છે.
રાજકોટના સરકારી દવાખાનાઓમાં શ્વાનોના આંટાફેરા મુદ્દે આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. હોસ્પિટલ-વોર્ડમાં શ્વાનો ફરતાં હોવાનો વીડિયો વાઈરલ થતાં આરોગ્ય કમિશનરે હોસ્પિટલોમાં રખડતાં શ્વાનની ગણતરી કરવાનો આદેશ કર્યો છે. રાજકોટ જિલ્લામાં તમામ પ્રાયમરી હેલ્થ સેન્ટર(PHC), કમ્યુનિટિ હેલ્થ સેન્ટર(CHC), સબ ડિસ્ટ્રીક્ટ અને જિલ્લા હોસ્પિટલ પાસેથી આરોગ્ય વિભાગ દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. જેમાં સરકારી આરોગ્ય કેન્દ્રમાં રખડતાં શ્વાનોનો સર્વે કરીને આંકડા આપવા જણાવ્યું છે.
રાજકોટ જિલ્લામાં ૫૫ PHC, ૧૨ CHCસહિત કુલ તમામ આરોગ્ય સંસ્થાઓમાંથી વિગતવાર માહિતી રજૂ કરવા સૂચન આપવામાં આવી છે. આરોગ્ય કમિશનરે જણાવ્યું કે, શ્વાનોની સંખ્યા, પ્રવેશના કારણો અને નિયંત્રણ પગલાં અંગે અહેવાલ ફરજિયાત આપવો.
આરોગ્ય વિભાગ જણાવ્યું કે, હોસ્પિટલોમાં સ્વચ્છતા અને દર્દીઓની સલામતી સર્વોપરી છે. કમિશનરે હોસ્પિટલમાં રખડતાં શ્વાનની ગણતરી આગામી સોમવાર(૩ માર્ચ, ૨૦૨૬) સુધી પૂર્ણ કરવા જણાવ્યું છે. હવે રિપોર્ટ બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે.




