
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
૧ લી મે,૧૯૬૦ ના દિવસે મુંબઈ સ્ટેટમાંથી ગુજરાત અલગ રાજય બન્યું જે ગુજરાતી ભાષી લોકો તરીકે ઓળખવા લાગ્યું. એ જ અલગ પડેલું મહારાષ્ટ્ર મરાઠી ભાષી લોકોથી ઓળખાવા લાગ્યું. આમ ગુજરાત, મહારાષ્ટ્ર આજે બંને રાજયો પોત પોતાની પ્રાદેશિક ભાષાઓથી જાણીતા બન્યા છે. જેની આપણે ૧ લી મે ને ગુજરાત સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરી ગૌરવ અનુભવીએ છીએ. ત્યારે યાદ આવે છે સ્વ.સુરેન્દ્રસિંહ રાજપૂત જેઓ યુપીના હતા છતાં ગુજરાત વિધાનસભાની સ્થાપના થયા પછી ગુજરાત રાજયના સૌ પ્રથમ પરપ્રાંતિય નેતા તરીકે ગુજરાત વિધાનસભામાં બેસવાનું સૌભાગ્ય મેળવનારા પહેલા નેતા હતા. આ સુરેન્દ્રસિંહ રાજપૂત કોલેજકાળ દરમ્યાન જી.એસ (જનરલ સેક્રેટરી) તરીકે ચૂંટાઈ આવેલા. ત્યારબાદ અમદાવાદ મ્યુ.કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે સેવા આપ્યા બાદ બબ્બે ટર્મ ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય તરીકે હિંમતપૂર્વક, નિડરતાથી પ્રજાના પ્રશ્નોની રજૂઆતો કરી પ્રજા લક્ષી કાર્યો કરેલા. એમણે નવનિર્માણ આંદોલન વખતે યુવાનોની પડખે અડીખમ ઊભા રહી યુવાનોને ન્યાય નહિ મળે તો જીવતા સમાધિ લેવાનું એલાન કરતાં સરકાર હચમચી ગઈ હતી.
એમણે વર્ષ ૧૯૭૫ થી રાજકારણમાં પ્રવેશ કરી જી.એસ થી લઈને લોકસભા સુધી ચૂંટણી લડીને માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીની સરકારોમાં ધારાસભ્ય પદ શોભાવી યશસ્વી કામગીરી કરી હતી. જેની કોંગ્રેસ પાર્ટી ધ્વારા કદર કરવામાં આવી હતી. જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને કેન્દ્રમાં મહેન્દ્રસિંહ બિટ્ટુ હતા ત્યારે સુરેન્દ્રસિંહે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે ગુજરાતના વિકાસ માટે ગુજરાત ના છેવાડાના ગામો સુધીની ૧૦ હજાર કિલોમીટર જેટલી પદયાત્રા કરી ખેડૂતો, સામાન્ય માનવીઓની સમસ્યાઓ અને એમની કાયાપલટ માટેના ઉપાયો જાણવા ખૂબ જ નજીકથી પ્રયત્ન કરી સાચા અર્થમાં પ્રજા સેવક સાબિત થયા હતા.
એ જ રીતે મહારાષ્ટ્રમાં રાજ કે. પુરોહિત જેઓ પરપ્રાંતિય એવા રાજસ્થાનના હતા. છતાં મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે રહી લોકોની સેવા કરેલી. આમ ગુજરાતમાં પરપ્રાંતિય નેતા તરીકે યુપીના સુરેન્દ્રસિંહ રાજપૂત અને મહારાષ્ટ્રમાં રાજસ્થાનના રાજ કે.પુરોહિત જેવા પરપ્રાંતિય નેતાઓએ સ્થાનિક કે પરપ્રાંતિયનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર સેવાઓ કરેલી જેમણે રાજકારણમાં રહીને પણ કોઈ જાતની કિન્નાખોરી કે તિરસ્કારની ભાવના રાખ્યા વગર સ્વચ્છ અને નીતિમત્તા ના ઊંચા રાજકારણનો દાખલો બેસાડયો હતો. આમ બંને નેતાઓ એ પાર્ટીને વફાદાર રહી બંને રાજયોમાં બહુ મોટો ફાળો આપ્યો હતો. એવા નેતાઓ આજે શોધ્યા પણ જડે નહીં.





