
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ધમધમશે! પલાયન થયેલા શ્રમિકોને પરત લાવવા માટે ઉદ્યોગકારોએ ગાડીઓ મોકલી ગેસ સિલિન્ડર પુરવઠો શરૂ થવાના સંકેતો મળતા સુરતના ઉદ્યોગકારોએ શ્રમિકોને પરત લાવવા અભિયાન શરૂ કર્યું છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર પડકારોનો સામનો કરી રહેલી વિશ્વપ્રસિદ્ધ સુરત ટેક્સટાઇલ હબ અંગે હાલ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાન-અમેરિકા વચ્ચે વધેલા તણાવના કારણે ગેસ અને ક્રૂડના ભાવમાં અચાનક વધારો થતાં ટેક્સટાઇલ ક્ષેત્રે ઉત્પાદન ખર્ચ વધી ગયો હતો, જેના કારણે અનેક ટેક્સટાઇલ યુનિટ્સ પર અસર પડી હતી. જેના કારણે શ્રમિકોના મોટા પાયે પલાયન થવાથી ઉદ્યોગને ડબલ ઝટકો લાગ્યો હતો. જાેકે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ધમધમશે તેવા શુભ સંકેત સામે આવી રહ્યા છે.
મીડલ ઈસ્ટમાં યુદ્ધને કારણે સુરતમાં અંદાજે ૨.૫૦ લાખ જેટલા શ્રમિકો પોતાના વતન તરફ પરત ફરતાં, અનેક ફેક્ટરીઓમાં મશીનો ઠપ્પ થઈ ગયા છે. પરંતુ હવે પરિસ્થિતિમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકા-ઈરાન વચ્ચે ૧૫ દિવસના સીઝફાયર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો નોંધાતાં ઉદ્યોગકારોને થોડી રાહત મળી છે. આ સાથે જ ગેસ સપ્લાયની સમસ્યા હળવી બનાવવા માટે સરકાર તરફથી પણ આશ્વાસન આપવામાં આવ્યું છે.
સુરતના ઉદ્યોગકારો હવે પરિસ્થિતિને ફરી પાટા પર લાવવા માટે સક્રિય બન્યા છે. સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસિએશન (FOGWA) દ્વારા શ્રમિકોને પરત લાવવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઉદ્યોગકારો શ્રમિકોને ‘દીકરા સમાન’ ગણાવી તેમના માટે પોતે જ ગાડીઓ મોકલીને ઘરે લાવવા તૈયાર થયા છે. ખાનગી બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, જેથી શ્રમિકો સરળતાથી સુરત પરત આવી શકે.
ગેસની અછત દૂર કરવા માટે ઉદ્યોગકારોએ ૧૫,૦૦૦ ગેસ સિલિન્ડરની માંગણી કરી છે. જેમાંથી તાત્કાલિક ૨,૨૦૦થી ૨,૫૦૦ સિલિન્ડરની જરૂરિયાત જણાઈ રહી છે. આ માટે જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા ફેક્ટરીઓને ગેસ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
ઉદ્યોગકારો અને પ્રશાસન વચ્ચેના સંકલનથી હાલ પરિસ્થિતિ ધીમે ધીમે સુધરતી નજરે પડી રહી છે. ટેક્સટાઇલ યુનિટ્સને ફરી પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવા માટે તૈયારી શરૂ થઈ ગઈ છે. જાે શ્રમિકો ઝડપથી પરત ફરશે અને ગેસ સપ્લાય સ્થિર રહેશે, તો સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી એકવાર ગતિ પકડશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં એક સકારાત્મક પાસું એ પણ છે કે ઉદ્યોગકારોએ શ્રમિકો પ્રત્યે માનવતાભર્યું વલણ અપનાવ્યું છે. તેમને પરિવારના સભ્ય સમાન માનતાં ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ઉદ્યોગ અને શ્રમિકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. આ રીતે, અનેક પડકારો વચ્ચે પણ સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ ફરી ઉભરાઈને આગળ વધવા માટે તૈયાર થઈ રહ્યો છે.





