
ભાગેડુ-કૌભાંડી મેહુલ ચોક્સીને મોટો ઝટકો.બેલ્જિયમની કોર્ટે પ્રત્યાર્પણ વિરોધી મેહુલ ચોક્સીની અરજી ફગાવી.કોર્ટે દલીલોને નબળી ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ રોકવા ચોક્સી પાસે કોઈ કાનૂની કે તથ્યાત્મક આધાર નથી.હજારો કરોડ રૂપિયાના બેંકિંગ કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીને વિદેશી ધરતી પરથી ભારત લાવવાના પ્રયાસોને મોટી સફળતા મળી છે. બેલ્જિયમની સર્વોચ્ચ અદાલત, કોર્ટ ઓફ કેસેશન એ મેહુલ ચોક્સીની ભારત પ્રત્યાર્પણ વિરુદ્ધની અરજીને ફગાવી દીધી છે.
બેલ્જિયમની કોર્ટે મેહુલ ચોક્સીની દલીલોને નબળી ગણાવતા સ્પષ્ટ કર્યું હતું કે પ્રત્યાર્પણ રોકવા માટે ચોક્સી પાસે કોઈ કાનૂની કે તથ્યાત્મક આધાર નથી. કોર્ટે જણાવ્યું કે પ્રત્યાર્પણની આ પ્રક્રિયા ભારતીય કાયદાઓ અને યુરોપિયન માનવાધિકાર ધોરણોને અનુરૂપ છે. આ સાથે કોર્ટે મેહુલ ચોક્સી પર ૧૦૪ યુરોનો દંડ પણ ફટકાર્યો છે. ચોક્સીએ દાવો કર્યો હતો કે જાે તેને ભારત મોકલવામાં આવશે તો તેને ન્યાયથી વંચિત રાખવામાં આવશે અથવા અમાનવીય વ્યવહાર કરવામાં આવશે. જાેકે, કોર્ટે નોંધ્યું કે આ જાેખમો સાબિત કરવા માટે ચોક્સી દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજાે અપૂરતા છે.
ચોક્સીએ એન્ટિગુઆથી તેના કથિત અપહરણના પ્રયાસો અને મીડિયા કવરેજ જેવી બાબતોને રજૂ કરીને ભારતમાં નિષ્પક્ષ સુનાવણી ન મળવાની દલીલ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી.
ભારત સરકારે મેહુલ ચોક્સીની સુરક્ષા, જેલ વ્યવસ્થા, માનવાધિકાર અને તેની મેડિકલ જરૂરિયાતો અંગે બેલ્જિયમ સરકારને અનેક મહત્વની ખાતરીઓ આપી છે. કોર્ટે ભારત સરકારની આ સ્પષ્ટ ખાતરીઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સીબીઆઈ (CBI) ના આરોપપત્ર મુજબ, ૧૩૦૦૦ કરોડ રૂપિયાના પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મેહુલ ચોક્સીએ એકલાએ ૬૪૦૦ કરોડ રૂપિયાની ઉચાપત કરી છે. મુંબઈની સ્પેશિયલ કોર્ટ દ્વારા જારી કરાયેલા ધરપકડ વોરંટના આધારે ભારત સરકારે ૨૭ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ બેલ્જિયમને તેના પ્રત્યાર્પણ માટે વિનંતી મોકલી હતી. આ ચુકાદા બાદ હવે મેહુલ ચોક્સીને ભારત લાવી કાયદાકીય કાર્યવાહી હેઠળ લાવવાનો માર્ગ વધુ મોકળો બન્યો છે.





