
સિપ્રીના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો ભારતે ૨૦૨૫માં સૈન્ય પર નવ લાખ કરોડનો વિક્રમી ખર્ચ કર્યાે વિશ્વસ્તરે હથિયારો અને સૈન્ય ખર્ચ પર નજર રાખતી સ્વીડનની જાણીતી સંસ્થા સિપ્રીનો રિપોર્ટ વર્ષ ૨૦૨૫માં ભારતે તેના સૈન્ય આધુનિકીકરણ અને સુરક્ષા પાછળ ૯૨.૧ અબજ ડોલર (આશરે રૂ. નવ લાખ કરોડ) ખર્ચ્યા છે. આ સાથે ભારત વિશ્વમાં સૈન્ય સાધનો પાછળ ખર્ચ કરનાર પાંચમો સૌથી મોટો દેશ બની ગયો છે. એક રીતે પાકિસ્તાન જેવા દુશ્મન દેશ અને કપટી ચીનના પડકારો વચ્ચે ભારત સરકારે સંરક્ષણ ક્ષેત્રને ખૂબ ગંભીરતાથી લીધુ છે. ભારતનો આ સંરક્ષણ ખર્ચ ૨૦૨૪ની સરખામણીએ ૮.૯ ટકા વધુ છે તેમ વિશ્વસ્તરે હથિયારો અને સૈન્ય ખર્ચ પર નજર રાખતી સ્વીડનની જાણીતી સંસ્થા સિપ્રી એ પોતાના ‘ઈયરબુક ૨૦૨૬’ના રિપોર્ટમાં જણાવ્યું છે. આ રિપોર્ટમાં ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા ગંભીર સૈન્ય ટકરાવનો પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને સિપ્રીએ ‘અસાધારણ રીતે ગંભીર સૈન્ય સંકટ’ ગણાવ્યું છે. સિપ્રીના મતે, વિશ્વભરમાં વધતા ભૂ-રાજકીય તણાવ અને યુદ્ધોને કારણે વૈશ્વિક સૈન્ય ખર્ચમાં સતત ૧૧માં વર્ષે વધારો થયો છે. વર્ષ ૨૦૨૫માં વિશ્વના તમામ દેશોએ મળીને પોતાની સેનાઓ પર રેકોર્ડ ૨.૯ ટ્રિલિયન ડોલરનો ખર્ચ કર્યાે છે, જે વિશ્વની કુલ જીડીપીના ૨.૫ ટકા છે. સિપ્રીના ઈતિહાસમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. સેના પર ખર્ચ કરનારા ટોચના ૫ દેશોમાં – અમેરિકા(૯૫૪ અબજ ડોલર), ચીન(૩૩૬ અબજ ડોલર), રશિયા(૧૯૦ અબજ ડોલર) અને ચોથા સ્થાને ઝડપથી સૈન્ય બજેટ વધારી રહેલું જર્મની છે, જ્યારે ૯૨.૧ અબજ ડોલરના સૈન્ય બજેટ સાથે ભારત પાંચમા સ્થાને છે. રિપોર્ટ અનુસાર, વિશ્વના ટોચના ૧૫ દેશોનો વૈશ્વિક સૈન્ય ખર્ચમાં ૮૦ ટકા હિસ્સો છે, જેમાંથી ઘણા દેશો ગાઝા અને યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધોમાં સીધી કે પરોક્ષ રીતે સામેલ છે. સિપ્રીએ મે-૨૦૨૫માં થયેલા ભારત-પાકિસ્તાન ટકરાવને વર્ષની સૌથી ખતરનાક ઘટનાઓમાંની એક ગણાવી છે. રિપોર્ટના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સંઘર્ષ દરમિયાન ભારતે પાકિસ્તાનના તે હવાઈ અને મિસાઈલ ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા, જેની પરમાણુ ભૂમિકા હોવાની આશંકા હતી. જાેકે, બંને પક્ષોએ સમજદારી દાખવી તણાવને વધુ વધતો અટકાવ્યો હતો. રિપોર્ટ મુજબ, જાન્યુઆરી ૨૦૨૬ની શરૂઆત સુધીમાં વિશ્વના ૯ પરમાણુ સંપન્ન દેશો (અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઈઝરાયેલ) પાસે કુલ મળીને લગભગ ૧૨૧૮૭ પરમાણુ હથિયારો છે. ભારત અને પાકિસ્તાનના પરમાણુ આધુનિકીકરણ પર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ભારત પાસે પરમાણુ વોર્હેડ્સની સંખ્યા વધીને લગભગ ૧૯૦ થઈ ગઈ છે. ભારત લાંબા અંતરની મિસાઈલો વિકસાવી રહ્યું છે જેની પહોંચમાં સમગ્ર ચીન આવી શકે, જાેકે તેનું ધ્યાન પરંપરાગત દુશ્મન પાકિસ્તાન પર પણ યથાવત છે. વર્ષ ૨૦૨૧ થી ૨૦૨૫ વચ્ચે ભારત વિશ્વના ટોચના ૫ સૌથી મોટા હથિયાર ખરીદનાર દેશોમાં સામેલ રહ્યું છે. આ યાદીમાં ભારતની સાથે યુક્રેન, સાઉદી અરેબિયા, કતાર અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. વૈશ્વિક સ્તરે થતી કુલ હથિયારોની આયાતમાં આ પાંચ દેશોનો હિસ્સો એકલા ૩૫ ટકા રહ્યો છે.





