
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં મોંધવારીનો મહારાક્ષક અટ્ટહાસ્ય સાથે પ્રજાને આર્થિક રીતે ગળી જવા તૈયાર છે.ત્યારે જીવન જરૂરી દરેક ચીજ વસ્તુઓ મોંઘીદાટ થઈ રહી છે. ગત માર્ચ માસમાં આ ચીજ વસ્તુઓનો જે ભાવો હતા એમાં એપ્રિલ માસ માં ભયંકર વધારો થઈ ગયો હતો. અને વર્તમાન મે માસમાં પણ આ ભાવ વધારાની રોકેટગતિ જારી જ છે ત્યારે દેશના કરોડો સામાન્ય નાગરિકોનું જીવન દિનપ્રતિદિન વધુને વધુ કપરૂ થઈ રહ્યું છે. અને આગામી દિવસો કેવા જશે એની કલ્પના પણ ધ્રુજાવી રહી છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે એવી આશંકા પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી હતી કે તેલ અને ગેસની અછતને કારણે આવનારા દિવસોમાં આવશ્યક ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થવાનો છે. સામાન્ય લોકો માટે ખાસ કરીને રસોઈ ગેસની અછતને કારણે ઊભી થયેલી મુશ્કેલ પરિસ્થિતિઓથી દરેક વ્યક્તિ સારી રીતે વાકેફ છે. આ સમયગાળા દરમિયાન દેશમાં ઈંધણ,વીજળી અને ક્રૂડ તેલના ભાવમાં વધારાને કારણે એપ્રિલમાં જથ્થાબંધ ફુગાવાનો દર 8.3% નોંધાયો હતો. જે માર્ચમાં 3.88% હતો. તે સ્પષ્ટ છે કે આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિઓ એ હવે સ્થાનિક બજાર પર પોતાનો પ્રભાવ પાડવાનું શરૂ કર્યું છે.
આ સંજોગોમાં જો ખાદ્ય પદાર્થોથી લઈને અન્ય દૈનિક જરૂરિયાતો સુધીની દરેક વસ્તુના ભાવ નિયંત્રણ બહાર નીકળી જાય, તો તે બીજે બધે તો ઠીક પણ આપણે ત્યાંય હાહાકાર સર્જાશે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ઉર્જા સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને ગેસ ઉત્પાદક દેશો સાથે રાજધ્વારી વાતચીત શરૂ કરવાની અને દેશ સામે આવતી ગંભીર મુશ્કેલીઓને દૂર કરવા માટે સક્રિય પગલાં લેવાની તાત્કાલિક જરૂર છે.





