Mumbai: સેશન્સ કોર્ટે સોમવારે 2015ના માલવાણી નકલી દારૂના કેસમાં ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જોકે પુરાવાના અભાવે 10 આરોપીઓને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં મહિલા સહિત 14 આરોપીઓની ધરપકડ કરી હતી.
જૂન 2015 માં, મલાડના પશ્ચિમી ઉપનગરમાં માલવાનીમાં લક્ષ્મી નગર ઝૂંપડપટ્ટીમાં ઝેરી દારૂ પીવાથી 106 લોકો મૃત્યુ પામ્યા હતા અને 74 અપંગ બન્યા હતા. સેશન્સ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ડૉ. સ્વપ્નિલ તવશીકરે રાજુ હનુમંત ટાપરે ઉર્ફે રાજુ લંગરા, ડોનાલ્ડ પટેલ, ફ્રાન્સિસ થોમસ ડી’મેલો અને મન્સૂર ખાન ઉર્ફે અતિકને દોષિત ગણાવ્યા હતા અને ઘટનાને કમનસીબ ગણાવી હતી.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર પ્રદીપ ઘરતે જણાવ્યું હતું કે નવ વર્ષ બાદ સેશન્સ કોર્ટે માલવણી ઝેરી દારૂ કેસમાં ચાર આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. 6 મેના રોજ સજાનો નિર્ણય કરવામાં આવશે. કેસમાં 206 સાક્ષીઓના એફિડેવિટ દાખલ કર્યા બાદ આ નિર્ણય આવ્યો છે. કોર્ટે મન્સૂર ખાનને ગુજરાતમાંથી અન્ય સહ-આરોપીઓને બેરલ સપ્લાય કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો.
જ્યારે રાજુ ટાપારે, ડોનાલ્ડ પટેલ અને ફ્રાન્સિસ ડી’મેલો ગેરકાયદેસર દારૂ વેચનારા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય પોલીથીન બેગ અથવા પાણીની બોટલોમાં દારૂ પેક કરતા હતા અને સાયકલ પર આસપાસના વિસ્તારોમાં વહેંચતા હતા.