ભારતની સહાય સામે શ્રીલંકામાં વિરોધ બૌદ્ધ ભિક્ષુઓના આમરણાંત ઉપવાસથી શ્રીલંકામાં તણાવ અનુરાધાપુરા વિકાસ પ્રોજેક્ટના વિરોધમાં બે જૂથો વચ્ચે ઘર્ષણ, ત્રણ ભિક્ષુઓ સહિત સાતની ધરપકડ થઈ શ્રીલંકાના ઐતિહાસિક શહેર અનુરાધાપુરામાં ભારતીય સહાયથી થનારા વિકાસ પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલા બૌદ્ધ ભિક્ષુઓની પોલીસે ધરપકડ કરી છે. બુધવારથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ભિક્ષુઓ અને અન્ય એક જૂથ વચ્ચે ઘર્ષણ થતા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા આ કડક પગલું ભર્યું છે.નકશા જુઓપોલીસ પ્રવક્તા એફ.ટી. વૂટલરના જણાવ્યા અનુસાર, ઉપવાસ પર બેઠેલા બાલંગોડા કસ્સપ અને તેમના સમર્થકો તથા તાજેતરમાં ભિક્ષુ પદેથી હટાવાયેલા રાજંગનયે સદ્ધારથનના જૂથ વચ્ચે ઉગ્ર વિવાદ અને ઝપાઝપી થઈ હતી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે સદ્ધારથન આંદોલનને ભડકાવવા અને તોડવા આવ્યા હતા, જ્યારે સદ્ધારથને કસ્સપના સમર્થકો પર હુમલાનો આક્ષેપ કરી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. આ ઘટના બાદ પોલીસે કસ્સપ અને સદ્ધારથન સહિત ૩ ભિક્ષુઓની ધરપકડ કરી છે, ઉપરાંત ૧ મહિલા સહિત ૪ નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એપ્રિલ ૨૦૨૫ની શ્રીલંકા મુલાકાત દરમિયાન ભારતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ અનુરાધાપુરા પવિત્ર નગર પરિસરના વિકાસ માટે ગ્રાન્ટ સહાયની જાહેરાત કરી હતી. શ્રીલંકાએ આ માટે ૭ અબજ શ્રીલંકન રૂપિયાથી વધુનો ખર્ચ અંદાજ્યો છે. નવી યોજના મુજબ પવિત્ર વિસ્તારનો વ્યાપ ૨૮ ચોરસ કિલોમીટરથી વધારીને ૩૮ ચોરસ કિલોમીટર કરવામાં આવશે, જેમાં રસ્તાઓનું નવીનીકરણ, સ્વચ્છતા, કચરાનું વ્યવસ્થાપન અને યાત્રાળુઓ માટે પરિવહન સુવિધાઓ વિકસાવવાનું આયોજન છે.આ વિરોધ પાછળનું મુખ્ય કારણ ભિક્ષુઓમાં રહેલો એવો ડર છે કે વિકાસના નામે આ પ્રાચીન બૌદ્ધ તીર્થસ્થળની મૂળ ઓળખ બદલાઈ જશે અને ત્યાં હિંદુ ધાર્મિક માળખા ઊભા કરવામાં આવશે. ધરપકડ પહેલા ભિક્ષુ કસ્સપે સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી સરકાર આ વિકાસ યોજનાનું ગેઝેટ નોટિફિકેશન રદ નહીં કરે અને કોર્ટના તિરસ્કાર બદલ જેલમાં બંધ કટ્ટરપંથી ભિક્ષુ ગલગોડાટ્ટે જ્ઞાનસારને માફી નહીં આપે, ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.




