લિટરનો ભાવ ૩૭૦ને પાર પાકિસ્તાનમાં મોંઘવારીનો ભડકો: ૪ દિવસમાં પેટ્રોલ ૨૫ રૂપિયા મોંઘું હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ પણ ૩૭૮.૦૫ રૂપિયાથી વધીને સીધો ૩૯૮.૦૪ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો આર્થિક તંગીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનમાં મોંઘવારીએ ફરી એકવાર સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. દેશમાં છેલ્લા ચાર દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે વધારો નોંધાયો છે, જેના કારણે ઈંધણની કિંમતો આસમાને પહોંચી ગઈ છે.કંગાળ તબક્કામાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં સામાન્ય જનતાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. દેશમાં ફરી એકવાર મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ બેકાબૂ બનીને આસમાને પહોંચવા લાગ્યા છે. સ્થિતિ એ છે કે માત્ર ચાર દિવસની અંદર જ પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમતોમાં ભારે વધારો નોંધાયો છે, જેની સામાન્ય માણસના ખિસ્સા પર ખૂબ મોટી અસર પડી છે. આંતરરાષ્ટ્રીય બજારના દબાણ અને આર્થિક બદહાલી સામે ઝઝૂમી રહેલી સરકારે સતત ચોથા દિવસે ઈંધણના ભાવમાં વધારો કર્યાે છે, જેનાથી લોકોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.આંકડા અનુસાર, ૮ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર વચ્ચે માત્ર ચાર દિવસના ગાળામાં પાકિસ્તાનમાં પેટ્રોલ ૨૪.૯૩ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ ચૂક્યું છે. તો બીજી તરફ, આ સમયગાળા દરમિયાન હાઈ-સ્પીડ ડીઝલની કિંમતોમાં પણ ૧૯.૯૯ રૂપિયા પ્રતિ લિટરનો મસમોટો વધારો નોંધાયો છે. આ સતત ભાવવધારાના કારણે પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત જે પહેલાં ૩૪૫.૮૭ રૂપિયા પ્રતિ લીટર હતી, તે હવે વધીને ૩૭૦.૮૦ રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગઈ છે. આ ઉપરાંત, હાઈ-સ્પીડ ડીઝલનો ભાવ પણ ૩૭૮.૦૫ રૂપિયાથી વધીને સીધો ૩૯૮.૦૪ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે, જે સામાન્ય જનતા માટે કોઈ મોટા સંકટથી કમ નથી.ઈંધણના ભાવમાં આ રેકોર્ડબ્રેક ઉછાળાને કારણે પાકિસ્તાનમાં પરિવહન, ખાણી-પીણીની ચીજવસ્તુઓ અને અન્ય જરૂરી સામાનના ભાવ પણ ઝડપથી વધવાની આશંકા ઊભી થઈ છે. પહેલાથી જ ભયાનક આર્થિક સંકટ, દેવાના બોજ અને મોંઘવારીનો મારો સહન કરી રહેલી પ્રજા માટે પેટ્રોલનું ૩૭૦ રૂપિયા અને ડીઝલનું લગભગ ૪૦૦ રૂપિયા પ્રતિ લિટર સુધી વેચાવું જીવનને અત્યંત મુશ્કેલ બનાવી રહ્યું છે. સરકાર દ્વારા લેવામાં આવી રહેલા આ કડક આર્થિક પગલાં બાદ દેશમાં વિરોધના સૂર પણ તીવ્ર બનવા લાગ્યા છે, કારણ કે સામાન્ય નાગરિકો માટે રોજીરોટી રળવી પણ મુશ્કેલ બની રહી છે.




