
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
વિશ્વમાં સૌથી મોટો એવો આપણો ભારત દેશ ચીન પછી બીજા નંબરે આવે છે. આપણો દેશ સૌથી મોટો લોકશાહી દેશ છે. અને આ લોકશાહીના મૂળભૂત આધારસ્તંભો પૈકી એક ન્યાયતંત્ર જ એવો સ્તંભ છે કે જેના પર દેશના તમામ નાગરિકોને અતૂટ વિશ્વાસ છે. ચૂંટાયેલા સભ્યોથી માંડીને વહીવટીતંત્ર સહિતના આધારસ્થંભો દેશના લોકોમાંથી વિશ્વાસ ગુમાવી ચૂકયા છે. કારણકે તેને ભ્રષ્ટાચારનો લૂણો લાગી ચૂકયો છે.
જ્યારે દેશનું મીડિયા પણ પોતાના ભ્રષ્ટ આચરણને કારણે ભરોસાનો આધાર દેશની જનતામાંથી ગુમાવી ચૂકયું છે. ત્યારે એક માત્ર ન્યાયતંત્ર જ એવો આધારસ્તંભ છે કે જેના પર મોટા ભાગના નાગરિકોને પૂરો ભરોસો છે પરંતુ હવે જે રીતે આ સન્માનિય ન્યાયતંત્ર અંગે પણ અહેવાલો આવી રહયા છે તે ચોંકાવનારા છે. ભારત માંતો ન્યાયતંત્રને ન્યાયનું મંદિર માનવામાં આવે છે. જ્યાં વિવાદોનું નિરાકરણ થાય છે. અને નાગરિકોના અધિકારોનું રક્ષણ થાય છે. કોઈપણ મુશ્કેલ કે જટિલ પરિસ્થિતીમાં ન્યાયતંત્ર એ નાગરિકો માટે છેલ્લો ઉપાય છે. પરંતુ ન્યાયિક અધિકારીઓની કામગીરી અંગે જ જો પ્રશ્નો ઊભા થાય છે તો ન્યાયની આશા પર રહેલા
વિશ્વાસનું શું થશે?
આ ચિંતા સરકારી ડેટા પરથી જ પેદા થઈ છે જેમાં જણાવાયું છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશના કાર્યાલયને ૨૦૧૬ થી વર્તમાન ન્યાયાધીશો સામે ૮૬૦૦ થી વધુ ફરિયાદો મળી છે. સરકારે પોતે લોકસભામાં અહેવાલ આપ્યો કે ૨૦૨૪ માં સૌથી વધુ ફરિયાદો જજ સહિતના ન્યાયિક પદાધિકારીઓ સામે દાખલ કરવામાં આવી હતી. જે બતાવે છે કે આ વલણ સમય જતાં વધી રહ્યું છે.
છેલ્લા એક દાયકામાં મળેલી અ-ધ-ધ ફરિયાદો ચોક્કસપણે મોટી ચિંતાનો વિષય છે કેમ કે ખરેખર લોકશાહીમાં ન્યાયતંત્ર એ નિષ્પક્ષતા, પારદર્શિતા, પ્રમાણિકતા અને સમર્પણ સાથે કાર્ય કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. નાગરિક અધિકારોનું રક્ષણ કરવું એ ન્યાયતંત્રની ટોચની પ્રાથમિકતા છે. અને તેથી તે જનતા માટે હિમ્મત અને વિશ્વાસના સ્ત્રોત તરીકે કામ કરે છે.
ગયા માર્ચ મહિનામાં દિલ્હીના એક ન્યાયાધિશના નિવાસસ્થાન પરથી બળી ગયેલી ચલણી નોટોના બંડલો મળી આવવાના કિસ્સાની તપાસમાં નોંધપાત્ર પ્રગતિના અભાવ અંગે આજે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે જો આ કેસમાં કોઈ વહીવટી અધિકારી અથવા સામાન્ય નાગરિક સામેલ હોત તો તપાસ પ્રક્રિયા અત્યાર સુધીમાં ઘણી આગળ વધી ગઈ હોત. આવી પરિસ્થિતીમાં એક મુખ્ય પરિબળ હાઈકોર્ટોના ન્યાયાધીશોને સંડોવતી તપાસ અને કાર્યવાહી પ્રક્રિયાનું જટિલ માળખું છે. જેને ન્યાયિક પ્રક્રિયામાં નાગરિકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે સરળ અને સ્પષ્ટ કરવાની જરૂર છે.




