૫-૧ થી હરાવીને ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીત્યો ભારતીય પુરુષ હોકી ટીમે ફાઇનલમાં મલેશિયાને હરાવ્યું ભારતે ૨૦૨૮ માં યોજાનાર લોસ એન્જલસ ઓલિમ્પિક માટે પણ સીધી ક્વોલિફાય કરીને પોતાની જગ્યા નિશ્ચિત કરી એશિયન ગેમ્સ ૨૦૨૬ માં ભારતીય પુરુષ હોકી ટીમે પોતાનું વર્ચસ્વ સાબિત કરતા દેશ માટે શાનદાર સુવર્ણ ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલ મુકાબલામાં ટીમ ઇન્ડિયાએ શાનદાર રમતનું પ્રદર્શન કરતા કટ્ટર હરીફ મલેશિયાને ૫-૧ ના મોટા અંતરથી એકતરફી હાર આપી હતી.
એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતીય પુરુષ હોકી ટીમની આ પાંચમી સુવર્ણ સિદ્ધિ છે. આ મહાન જીત સાથે જ ભારતે ૨૦૨૮ માં યોજાનાર લોસ એન્જલસ ઓલિમ્પિક માટે પણ સીધી ક્વોલિફાય કરીને પોતાની જગ્યા નિશ્ચિત કરી લીધી છે.
મેચની શરૂઆતથી જ ભારતીય ટીમે મલેશિયા પર ભારે દબાણ બનાવવાની રણનીતિ અપનાવી હતી. શરૂઆતની પ્રથમ ૧૫ મિનિટ બંને ટીમો વચ્ચે અત્યંત રસાકસીભરી રહી હતી. ભારતે શરૂઆતમાં રક્ષણાત્મક રમત રમ્યા બાદ અચાનક આક્રમક હુમલાઓ શરૂ કર્યા હતા. ૧૧ મી મિનિટે ભારતને મળેલી તકનો ફાયદો ઉઠાવતા કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર ગોલ ફટકારીને ભારતને ૧-૦ ની લીડ અપાવી હતી. જાેકે, ભારતીય છાવણીની આ ખુશી લાંબો સમય ટકી શકી ન હતી. માત્ર ત્રણ જ મિનિટ બાદ મલેશિયન ખેલાડી શેલો સિલ્વરિયસે એક સુંદર ફિલ્ડ ગોલ કરીને સ્કોર ૧-૧ થી સરભર કરી દીધો હતો.
બીજા ક્વાર્ટરમાં મલેશિયાની ટીમે વધુ આક્રમક રમત બતાવીને ભારતના ડિફેન્સને તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભારતીય ખેલાડીઓએ ધીરજ ગુમાવી ન હતી અને યોગ્ય તકની રાહ જાેઈ હતી. ૨૩ મી મિનિટે ભારતને એક મહત્ત્વપૂર્ણ પેનલ્ટી કોર્નર મળ્યો, જેને જુગરાજ સિંહે ખૂબ જ સુંદર રીતે ગોલમાં ફેરવીને ભારતને ફરી ૨-૧ થી આગળ કરી દીધું. ત્યારબાદ મલેશિયાએ વાપસી કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ભારતીય રક્ષણાત્મક હરોળે તેમને કોઈ જ તક આપી ન હતી. હાફટાઇમ સુધી ટીમ ઇન્ડિયાએ પોતાની આ નિર્ણાયક લીડ જાળવી રાખી હતી.
ત્રીજા ક્વાર્ટરમાં ભારતે ગોલ કરવાની અનેક તકો બનાવી હતી. શરૂઆતમાં જુગરાજ સિંહ અને નીલકાંત શર્મા ગોલ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. થોડી જ વારમાં મળેલા અન્ય એક પેનલ્ટી કોર્નર પર હરમનપ્રીતનો શક્તિશાળી શોટ મલેશિયન ખેલાડીના શરીર પર વાગતા ભારતને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો. ૪૨ મી મિનિટે હાર્દિક સિંહે આ સોનેરી તકનો લાભ ઉઠાવીને ગોલ કર્યો અને સ્કોર ૩-૧ કરી દીધો.
અંતિમ ચરણમાં ભારતીય ટીમે મલેશિયન ખેલાડીઓને સતત ભૂલો કરવા મજબૂર કર્યા હતા, જેના પરિણામે ભારતને મેચમાં કુલ ૧૪ પેનલ્ટી કોર્નર મળ્યા હતા. મેચના અંતિમ ભાગમાં હરમનપ્રીત સિંહે પેનલ્ટી કોર્નરથી પોતાનો બીજાે ગોલ અને શિલાનંદ લાકરાએ એક શાનદાર ફિલ્ડ ગોલ ફટકારીને મલેશિયાની કમર તોડી નાખી હતી. ભારતનો આ ૫-૧ નો ઐતિહાસિક વિજય સુવર્ણ અક્ષરે લખાશે.




