
ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચોની T20 શ્રેણીની બીજી મેચ 72 રને જીતીને હવે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ગ્લેન મેક્સવેલે પણ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે, જેમાં તે હવે T20 ઈન્ટરનેશનલમાં ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ સિક્સર ફટકારનાર ખેલાડી બની ગયો છે. જોકે, આ મેચમાં મેક્સવેલ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો અને ચાર બોલમાં માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો, જેમાં એક સિક્સર પણ સામેલ હતી.
મેક્સવેલે એરોન ફિન્ચનો રેકોર્ડ તોડ્યો હતો
ગ્લેન મેક્સવેલ પહેલા ઓસ્ટ્રેલિયા માટે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પૂર્વ કેપ્ટન એરોન ફિન્ચના નામે હતો, જેણે 103 મેચમાં 125 સિક્સર ફટકારી હતી. જ્યારે મેક્સવેલે હવે તેને પાછળ છોડી દીધો છે અને 105 મેચમાં 126 છગ્ગા ફટકાર્યા છે.