
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે. આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય બોલરોના જોરદાર પ્રદર્શનના કારણે ઈંગ્લેન્ડની ટીમ મોટો સ્કોર બનાવી શકી ન હતી અને 246 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી એ જ પીચ પર ભારતીય બેટ્સમેનોએ જોરદાર પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયાએ 436 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યો. આ રીતે ભારતીય ટીમને 190 રનની લીડ મળી હતી. ભારત તરફથી ત્રણ બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. આ બેટ્સમેનોના કારણે જ ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર મોટી સિદ્ધિ મેળવી છે.
ભારતે પ્રથમ વખત આ ચમત્કાર કર્યો
ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે પ્રથમ દાવમાં 80 રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલે મિડલ ઓર્ડરમાં 86 રનની ઇનિંગ રમી હતી. અંતમાં રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી અને 87 રનનું યોગદાન આપ્યું. પરંતુ આ ત્રણેય ખેલાડીઓ પોતાની સદી પૂરી કરી શક્યા ન હતા. ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે એક જ ટેસ્ટ ઇનિંગ્સમાં ત્રણ ભારતીય બેટ્સમેન 80-89 રનની વચ્ચે આઉટ થયા હોય. આ સાતમી વખત છે જ્યારે ટેસ્ટ ઇનિંગ્સમાં ત્રણ બેટ્સમેન 80-89 રનની વચ્ચે આઉટ થયા હોય.