Sanju Samson: IPLની 19મી મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમે RCB ટીમને 6 વિકેટે હરાવ્યું છે. આ મેચમાં RCBની ટીમે પ્રથમ બેટિંગ કરીને 183 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સ માટે જોસ બટલરે પણ શાનદાર સદી ફટકારી હતી. તેણે સિક્સર ફટકારીને રાજસ્થાનની ટીમને જીત અપાવી હતી. આ મેચમાં રાજસ્થાન માટે સંજુ સેમસને પણ અડધી સદી ફટકારી છે અને આઈપીએલમાં ખાસ સ્થાન હાંસલ કર્યું છે.
સંજુ સેમસને આ સ્થાન હાંસલ કર્યું છે
રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી ન હતી. જ્યારે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ખાતુ ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સંજુ સેમસન અને જોસ બટલરે રન બનાવવાની જવાબદારી લીધી. આ બંને ખેલાડીઓએ શાનદાર બેટિંગનું ઉદાહરણ રજૂ કર્યું હતું. સંજુએ આરસીબી સામેની મેચમાં 42 બોલમાં 69 રન બનાવ્યા જેમાં 8 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે સંજુએ IPLમાં પોતાના 4000 રન પૂરા કરી લીધા છે. સંજુ રાજસ્થાન રોયલ્સ ટીમ માટે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. સંજુએ આ સિઝનમાં તેની બીજી અડધી સદી ફટકારી છે. આ સિઝનની શરૂઆતમાં તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે અડધી સદી ફટકારી હતી.
આઈપીએલમાં ઘણા રન બનાવ્યા
સંજુ સેમસન 2013થી આઈપીએલમાં રમી રહ્યો છે. તેણે 156 IPL મેચોમાં 4066 રન બનાવ્યા છે જેમાં 3 સદી સામેલ છે. આ સિવાય તેણે 22 અડધી સદી ફટકારી છે. સંજુ સેમસન IPLમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી ચૂક્યો છે. હાલમાં તે રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન છે.
જોસ બટલરે સદી ફટકારી હતી
RCB ટીમ માટે વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી અને 113 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરતી વખતે રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યા હતા. એવું લાગી રહ્યું હતું કે આરસીબીની ટીમ આ મેચ સરળતાથી જીતી જશે. પરંતુ જોસ બટલરે સદી ફટકારીને રાજસ્થાન રોયલ્સને જીત અપાવી હતી. તેણે 100 રન બનાવ્યા હતા.