લેબનોનમાં આરોગ્ય કટોકટી સુવિધા પર ઇઝરાયેલના હવાઈ હુમલામાં 12 આરોગ્ય કર્મચારીઓ માર્યા ગયા હતા. હુમલા સમયે અહીં 20 આરોગ્ય કર્મચારીઓ હાજર હતા. ઈઝરાયેલી સેના તરફથી હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
આરોગ્ય મંત્રાલયે આ હુમલાને બર્બર કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે લેબનીઝ સિવિલ ડિફેન્સ ફોર્સનો હિઝબુલ્લા સાથે કોઈ સંબંધ નથી. આ પહેલા ઈઝરાયેલે સીરિયાના દમાસ્કસ અને કુદસાયા પર હવાઈ હુમલા કર્યા હતા જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને 16 અન્ય ઘાયલ થયા હતા.
કમાન્ડ સેન્ટરોને નિશાન બનાવ્યા
દમાસ્કસના માજેહમાં મિસાઈલ હુમલામાં પાંચ માળની ઈમારતને નુકસાન થયું હતું. ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે ઇસ્લામિક જેહાદ આતંકી જૂથના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કમાન્ડ સેન્ટર્સને નિશાન બનાવ્યા છે. આરોગ્ય મંત્રાલયે આ હુમલાને બર્બર કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે લેબનીઝ સિવિલ ડિફેન્સ ફોર્સનો હિઝબુલ્લા સાથે કોઈ સંબંધ નથી.
ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનીના સલાહકાર અલી લારિજાનીએ સીરિયાની રાજધાનીમાં ઈરાની દૂતાવાસમાં પેલેસ્ટિનિયન જૂથોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેના થોડા સમય પહેલા જ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.
હિઝબુલ્લાહને નિશાન બનાવવામાં આવ્યા હતા
ઇઝરાયેલની વાયુસેનાએ ગુરુવારે રાત્રે બેરૂતમાં હિઝબુલ્લાહના હથિયારોના વેરહાઉસ પર હુમલો કર્યો હતો. જે સ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવ્યો તે તમામ નાગરિક વિસ્તારોની વચ્ચે સ્થિત છે.
ઈઝરાયેલના સૈન્ય મથક પર હુમલાનો દાવો
હિઝબુલ્લાએ દાવો કર્યો હતો કે તેણે તેલ અવીવમાં તેલ હેમ લશ્કરી મથકને નિશાન બનાવ્યું હતું. તે લેબનોન સરહદથી 120 કિલોમીટર દૂર સ્થિત છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઝ ઈઝરાયેલ આર્મીના મિલિટરી ઈન્ટેલિજન્સ ડિવિઝનનું છે.
ઈરાની સૈન્ય કમાન્ડરે કહ્યું, ઈઝરાયેલના હુમલાનો જડબાતોડ જવાબ આપશે
ઈરાની આર્મીના ચીફ કમાન્ડર અબ્દોલરાહિમ મુસાવીએ કહ્યું કે અમે તાજેતરના ઈઝરાયેલ હુમલાનો જડબાતોડ જવાબ આપીશું. હુમલામાં માર્યા ગયેલા વાયુસેનાના એક સદસ્યના પરિવારને મળતા તેમણે આ ટિપ્પણી કરી હતી. અમે પ્રતિભાવનો સમય અને રીત નક્કી કરીશું અને જ્યારે જરૂર પડશે ત્યારે અચકાઈશું નહીં.
આશા છે કે લેબનોનમાં પરિસ્થિતિ જલ્દી સુધરશે
તે જ સમયે, ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર શુક્રવારે લેબનીઝ નેતાઓ સાથે વાતચીત પછી, ટોચના ઈરાની અધિકારી અલી લારિજાનીએ કહ્યું કે તેઓ યુદ્ધવિરામને લઈને લેબનીઝ સરકાર દ્વારા લેવામાં આવેલા કોઈપણ નિર્ણયને સમર્થન આપશે. તેમને આશા છે કે લેબનોનમાં પરિસ્થિતિ જલ્દી સુધરશે.