
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધની આશંકા? અમેરિકામાં ડૂમ્સડે પ્લેનના આંટાફેરા, ફફડી ઉઠી દુનિયા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેન તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જાેવા મળ્યું હતું
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે દુનિયા પર પરમાણુ યુદ્ધનું જાેખમ તોળાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેન તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જાેવા મળ્યું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે.
બોઈંગ ઈ-૪મ્ નાઈટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુ હવામાં તરતું અમેરિકાનું કમાન્ડ સેન્ટર છે. આ વિમાન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે પરમાણુ વિસ્ફોટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP) ને પણ સહન કરી શકે છે. કટોકટીના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી આ વિમાનમાંથી જ આખા દેશનું સંચાલન કરી શકે છે અને સૈન્યને આદેશ આપી શકે છે. આ વિમાન સતત ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે કારણ કે તેમાં હવામાં જ ઈંધણ ભરી શકાય તેવી સુવિધા છે.
સોમવાર, ૬ એપ્રિલના રોજ ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા મુજબ, આ વિમાન સવારે ૧૦.૧૭ વાગ્યે નેબ્રાસ્કાના ઓફટ એરફોર્સ બેઝ પરથી ઉડ્યું હતું. આ એરબેઝ અમેરિકાના પરમાણુ કમાન્ડ સેન્ટરનું મુખ્ય મથક છે. વિમાને આ વિસ્તારમાં ઓછામાં ઓછા ૬ ચક્કર લગાવ્યા હતા. જાેકે, સત્તાવાર રીતે તેને એક રૂટિન એક્સરસાઇઝ ગણાવવામાં આવી રહી છે, પરંતુ સમયને જાેતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઓફટ એરબેઝની આસપાસ નાગરિક હવાઈ ટ્રાફિક ઓછો હોવાથી ત્યાં અવારનવાર આવી તાલીમ થતી હોય છે.આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થતામાં ચાલી રહેલી શાંતિ મંત્રણાને ઈરાને ફગાવી દીધી છે. ઈરાને પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામના પ્લાનને નકારી કાઢતા કાયમી શાંતિની માંગ કરી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવાર સુધીની ડેડલાઇન આપતા ઈરાનને ચેતવણી આપી છે કે, જાે તેઓ વૈશ્વિક ઉર્જા માર્ગો ખોલવા માટે તૈયાર નહીં થાય, તો તેહરાનને નરક (Hell) બનાવી દઇશું.
૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાનના અનેક ઠેકાણાઓ પર સંયુક્ત હુમલા કરવામાં આવ્યા. જેના જવાબમાં ઈરાને વળતો પ્રહાર કર્યો હતો. જવાબમાં ઈરાને મધ્ય પૂર્વમાં ફેલાયેલા અમેરિકી અને સાથી દેશોના મથકો પર હુમલા કર્યા, જેનાથી સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં ઈરાને હોર્મુઝની સામુદ્રધુની બ્લોક કરી રાખી છે, જેના કારણે વૈશ્વિક તેલ પુરવઠા પર માઠી અસર પડી છે.
પરમાણુ કમાન્ડ સેન્ટર ઉપર ડૂમ્સડે પ્લેનનું ઉડવું એ ગંભીર સંકેત છે. જાે વાટાઘાટો નિષ્ફળ જાય તો અમેરિકા સૈન્ય રીતે તૈયાર છે તેવો સંદેશ આપ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવથી વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની નજીક જઈ રહ્યું હોય તેમ લાગે છે. હવે આખી દુનિયાની નજર મંગળવારની ડેડલાઇન પર છે. શું ઈરાન નમતું જાેખશે કે પછી આ ડૂમ્સડે પ્લેન ખરેખર યુદ્ધના મેદાનમાં ઉતરશે? તે જાેવું રહ્યું.





