
ઈરાનમાં યુદ્ધ મુદ્દે અમેરિકા ફજી રશિયા-ચીન! ખામેનેઈની હત્યા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન : પુતિન મિલિટ્રી ઓપરેશન રોકી દેવામાં આવે : ચીન
અમેરિકા અને ઈઝરાયલની એર સ્ટ્રાઈકમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું છે. મિડલ ઈસ્ટ હાલ બોમ્બ-ધડાકાથી ગુંજી રહ્યું છે. તેવામાં રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિને ખામેનેઈના મોતને હત્યા ગણાવી કહ્યું છે કે, માનવીય નૈતિકતા અને આંતરરાષ્ટ્રીય કાયદાના તમામ ધોરણોનું ઉલ્લંઘન થયું છે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પણ ખામેનેઈના મોતને હત્યા કરાર આપતા કહ્યું છે કે, ઈરાનના સુપ્રીમ લીડર પર હુમલો અને તેમની હત્યા ઈરાનની સંપ્રભુતા અને સુરક્ષાનું ઘોર ઉલ્લંઘન છે. આ સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના નિયમો અને આંતર રાષ્ટ્રીય સંબંધોના માપદંડનું ખુલ્લુ ઉલ્લંઘન છે. ચીન તેના વિરુદ્ધમાં છે અને હુમલાની ઘોર નિંદા કરે છે.
વધુમાં ચીની પ્રવક્તાએ અપીલ કરી કે, અમે મિલિટ્રી ઓપરેશનને તાત્કાલિક રોકવા, તણાવપૂર્ણ સ્થિતિને આગળ વધતી રોકવા, તેમજ મધ્ય પૂર્વ અને દુનિયામાં શાંતિ અને સ્થિરતા બની રહે તેવા સંયુક્ત પ્રયાસ કરવાની અપીલ કરીએ છીએ
બીજી તરફ ઈરાન રાષ્ટ્ર પ્રમુખ મસૂદ પજશકિયાને ખામેનેઈની હત્યાને મુસ્લિમો વિરુદ્ધ યુદ્ધની ઘોષણા ગણાવતા કહ્યું છે કે સૌથી મોટા રાજકીય અને ધાર્મિક નેતાની હત્યા શિયા સમુદાય સામે ખુલ્લી લડાઈ છે. તેનો બદલો લેવાનો ઈરાનનો કાયદાકીય અધિકાર છે.
ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનમાં ૪૦ દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ખામેનેઈના મૃત્યુથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ બની ગઈ છે, અમેરિકા ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાનના ૪૦થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત થયા છે. આ ઉપરાંત, ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે.




