
પેન્ટાગન પાસે હવે માત્ર ૨૦૦ ‘થાડ’ મિસાઈલ બચી હોવાનો દાવો ઈઝરાયલને બચાવવામાં અમેરિકાએ યુદ્ધમાં મિસાઈલનો ૫૦% હિસ્સો ગુમાવ્યો જાે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ફરી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કે જવાબી હુમલો શરૂ કરશે, તો અમેરિકાના મિસાઈલ સ્ટોક પર અસહ્ય દબાણ આવશે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષમાં ઈઝરાયલનું રક્ષણ કરવા જતાં સુપરપાવર અમેરિકા પોતે જ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. અમેરિકાએ પોતાની એડવાન્સ એર ડિફેન્સ મિસાઈલોનો એટલો મોટો જથ્થો વાપરી નાખ્યો છે કે હવે તેના પોતાના જ શસ્ત્રાગાર (મિલીટ્રી સ્ટોક) પર સવાલો ઉભા થવા લાગ્યા છે. પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) ના યુદ્ધમાં અમેરિકાએ ઈઝરાયલની ઢાલ બનવા માટે પોતાના સૌથી એડવાન્સ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો આડેધડ ઉપયોગ કર્યો છે. સંરક્ષણ અહેવાલો અનુસાર, આ ઓપરેશન દરમિયાન અમેરિકાએ ૨૦૦ થી વધુ અદ્યતન THAAD (થાડ) ઇન્ટરસેપ્ટર મિસાઈલો દાગી દીધી છે. આ ઉપરાંત પૂર્વી ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત અમેરિકન નૌસેનાના યુદ્ધજહાજાે પરથી ૧૦૦ થી વધુ SM-3 અને SM-6 ઇન્ટરસેપ્ટર લોન્ચ કરવામાં આવ્યા હતા.આશ્ચર્યની વાત એ છે કે, જે દેશ પર હુમલો થયો હતો તે ઈઝરાયલે પોતે પોતાના સંરક્ષણમાં આટલી મોટી સંખ્યામાં મિસાઈલો વાપરી નથી. ઈઝરાયલે પોતાની ‘એરો’ સિસ્ટમમાંથી ૧૦૦ થી ઓછી અને ‘ડેવિડ્સ સ્લિંગ’ માંથી માત્ર ૯૦ જેટલી મિસાઈલો છોડી હતી. લશ્કરી વિશ્લેષક કેલી ગ્રીકોના જણાવ્યા અનુસાર, “આ આંકડા ચોંકાવનારા છે. જાહેર પ્લેટફોર્મ પર ગમે તે દાવો કરાય, પરંતુ ઈરાનની મિસાઈલોને હવામાં તોડી પાડવાનો અડધાથી વધુ બોજ અમેરિકાએ પોતાના માથે લીધો છે અને ઈઝરાયલે પોતાનો સ્ટોક સુરક્ષિત રાખ્યો છે.”સૂત્રોના જણાવ્યા મુજબ, આ યુદ્ધમાં અમેરિકાના સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગન’ નો લગભગ ૫૦ ટકા મિસાઈલ સ્ટોક સાફ થઈ ગયો છે. હવે અમેરિકા પાસે માત્ર ૨૦૦ જેટલી જ THAAD મિસાઈલો બચી હોવાની આશંકા છે. ચિંતાની વાત એ છે કે અમેરિકી સંરક્ષણ કંપનીઓની ઉત્પાદન ક્ષમતા એટલી ઝડપી નથી કે આ ખાલી થયેલા સ્ટોકને ટૂંક સમયમાં ફરી ભરી શકાય.અમેરિકાની આ નબળાઈના કારણે એશિયામાં તેના સાથી દેશો જાપાન અને દક્ષિણ કોરિયા ભારે ચિંતામાં મુકાયા છે. આ બંને દેશો પોતાની સુરક્ષા માટે અમેરિકાની એર ડિફેન્સ ક્ષમતા પર ર્નિભર છે. જાે આગામી સમયમાં ચીન તાઈવાન પર હુમલો કરે અથવા ઉત્તર કોરિયા કોઈ નવું સૈન્ય સંકટ ઊભું કરે, તો અમેરિકા તેમને મિસાઈલ પ્રોટેક્શન પુરૂં પાડી શકશે કે કેમ તે બાબતે મોટો સસ્પેન્સ સર્જાયો છે.અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે જાે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ફરી કોઈ મોટી સૈન્ય કાર્યવાહી કે જવાબી હુમલો શરૂ કરશે, તો અમેરિકાના મિસાઈલ સ્ટોક પર અસહ્ય દબાણ આવશે. જાે કે, આ વિવાદ વચ્ચે પેન્ટાગનના પ્રવક્તા શૉન પાર્નેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, મિસાઈલ ઇન્ટરસેપ્ટર એ સમગ્ર સંરક્ષણ પ્રણાલીનો એક ભાગ માત્ર છે. અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત અને સંતુલિત રીતે આ યુદ્ધનો બોજ ઉઠાવ્યો છે અને અમેરિકા પોતાની સુરક્ષા કરવા માટે સક્ષમ છે.





