
રવિવારે બેંગલુરુ-કામખ્યા એક્સપ્રેસ અકસ્માતનો ભોગ બની હતી. આ અકસ્માત ઓડિશાના કટક જિલ્લામાં થયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે એસી ટ્રેનના ૧૧ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. રાહત અને બચાવ કાર્ય માટે NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
પૂર્વ તટ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, SMVT બેંગલુરુ-કામખ્યા એસી એક્સપ્રેસના અગિયાર કોચ સવારે ૧૧:૫૪ વાગ્યે મંગલુરીમાં નિર્ગુંડી નજીક પાટા પરથી ઉતરી ગયા હતા.
જોકે, હજુ સુધી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી. “અમે અમારા સંસાધનોને સક્રિય કર્યા છે અને NDRF અને ફાયર સર્વિસને જાણ કરી છે. એક રાહત ટ્રેન ઘટનાસ્થળે દોડી ગઈ છે,” તેમણે કહ્યું.
રાહત અને બચાવ કાર્ય
અશોક કુમારે વધુમાં જણાવ્યું હતું કે, “અમારા ફ્રન્ટલાઈન અધિકારીઓ અને સપોર્ટ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.”
આ ઘટના બાદ, હેલ્પલાઇન નંબર 8455885999 અને 8991124238 જારી કરવામાં આવ્યા છે અને ફસાયેલા મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન પર મોકલવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
