
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને લઈને અસર.શાહીબાગ અંડરબ્રિજ પાંચ દિવસ માટે બંધ કરાશે.કાલે ૨૩ જાન્યુઆરી રાત્રે ૮ વાગ્યાથી લઈને ૨૮ જાન્યુઆરી રાત્રે ૧૨ વાગ્યા સુધી આ બ્રિજના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો બંધ રહેશે.અમદાવાદ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતો શાહીબાગ રેલવે અંડરપાસ આગામી ૫ દિવસ માટે વાહનવ્યવહાર માટે બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. શહેરમાં ચાલી રહેલા પ્રતિષ્ઠિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીને ગતિ આપવા માટે આ મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે.
ટ્રાફિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, શાહીબાગ અંડરબ્રિજની ઉપરથી પસાર થતા બુલેટ ટ્રેનના ટ્રેક માટે સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની ગંભીર કામગીરી હાથ ધરવાની છે.
સુરક્ષાના કારણોસર અને કામગીરીમાં કોઈ અડચણ ન આવે તે માટે અંડરપાસના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો સંપૂર્ણપણે બંધ રહેશે. ૨૩ જાન્યુઆરી, રાત્રે ૮:૦૦ વાગ્યાથી ૨૮ જાન્યુઆરી, રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી શાહીબાગ રેલવે અંડરપાસ બંધ રહેશે. ટ્રાફિક જામની સમસ્યા નિવારવા અને નાગરિકોને હાલાકી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દિલ્હી દરવાજાથી એરપોર્ટ તરફ જવા માટે શિલાલેખથી રિવરફ્રન્ટ થઈને જઈ શકાશે. અસારવા, ગીરધરનગર, કાલુપુર તરફ જવા માટે શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજી બ્રિજનો ઉપયોગ કરવો. અસારવાથી ગાંધીનગર જવા માટે આર્મી કેન્ટોન્મેન્ટ વિસ્તારમાંથી પસાર થવું પડશે. ગાંધીનગરથી શહેર તરફ જવા માટે રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઈ શકાશે.
ઉલ્લેખનીય છે કે, આ ૫ દિવસ દરમિયાન શાહીબાગ વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ વધી શકે તેમ હોવાથી વાહનચાલકોને અગાઉથી આયોજન કરવા અને શક્ય હોય ત્યાં સુધી રિવરફ્રન્ટના માર્ગનો વધુ ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે.




