
વિદેશી દારૂની બોટલો સાથે ત્રણની ધરપકડ.અમદાવાદના દસક્રોઇમાં ચાવલજ ગામના ખેતરમાં SMC ની રેડ.SMC ની આ ઓચિંતી રેડને પગલે સ્થાનિક પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતમાં દારૂબંધીના કડક અમલના દાવાઓ વચ્ચે ફરી એકવાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે દસક્રોઈ તાલુકાના ચાવલજ ગામના એક ખેતરમાં દરોડો પાડીને લાખોની કિંમતનો વિદેશી દારૂ અને વાહનો સહિત કુલ ૧,૩૫,૫૭,૬૬૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SMC ની આ ઓચિંતી રેડને પગલે સ્થાનિક પોલીસ અને બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે SMC એ ચાવલજ ગામના ખેતરમાં દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૨૫,૭૯૩ બોટલો મળી આવી હતી. આ દારૂનો જથ્થો ખાસ કરીને ચંડીગઢ અને પંજાબમાં નિર્મિત હોવાનું બહાર આવ્યું છે, જેની બજાર કિંમત આશરે ૯૨,૯૦,૯૦૦ રૂપિયા જેટલી થાય છે. દારૂના જથ્થા ઉપરાંત પોલીસે હેરાફેરીમાં વપરાતા ૬ વાહનો, ૪ મોબાઈલ ફોન અને રોકડ રકમ પણ કબજે લીધી છે.
આ રેડ દરમિયાન પોલીસે સ્થળ પરથી ગાંધીનગરના ભીયારામ ચૌધરી, મહેમદાવાદના આનંદ શાહ અને ચાવલજના દિનેશ ઝાલાની ધરપકડ કરી છે. જાેકે, આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અને રાજસ્થાનનો મુખ્ય સપ્લાયર હરીશ જાટ હજુ પોલીસ પકડથી દૂર છે. આ ઉપરાંત દારૂ મંગાવનાર કનવારારામ ચૌધરી, કાનારામ ચૌધરી તેમજ ટ્રકચાલક અને માલિક સહિત અન્ય ૯ શખસો ફરાર થઈ ગયા છે, જેમને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રગતિમાન કર્યા છે.આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક પોલીસને કેમ ગંધ ન આવી તે એક મોટો સવાલ છે. હાલમાં તમામ પકડાયેલ આરોપીઓને આગળની કાયદેસરની તપાસ માટે કણભા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.





