
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશના વિવિધ રાજ્યોની હાલમાં જ થયેલી ચૂંટણીઓ પછી પશ્ચિમ બંગાળમાં સત્તા પલટો થયો અને બંગાળના ઇતિહાસમાં કદી પણ સત્તા ન મેળવી શકેલા એક પક્ષને બંગાળનું સિંહાસન મળ્યું છે એટલે આ પક્ષ (ભાજપ)ના કાર્યકરો અને નેતાઓમાં જીતનો ઉભરો આવે એ સ્વાભાવિક ગણાય પરંતુ કમનસીબે વિજયને પચાવી ન શકેલા. વિજેતા ભાજપ પક્ષના નેતાઓ અને કાર્યકરોએ જે રીતે વિજયની ઉન્માદી ઉજવણી કરી છે તેના કારણે સમગ્ર બંગાળ હિંસાની આગમાં સપડાઈ ગયું છે. અને એને કારણે સભ્ય અને સંસ્કારી સમાજ એ બંગાળનો હોય કે અન્ય કોઈપણ રાજ્યનો તેના મનમાં દહેશત,ભય અને ચિંતાનું લખલખુ પસાર થઈ રહ્યું છે.
સૌના હોઠ ઉપર એક જ સવાલ દેખાઈ રહ્યો છે કે બંગાળનું હવે શું થશે? જે પ્રકારે મધ્યયુગમાં આક્રમણખોર સેનાઓ કોઈપણ પ્રદેશ જીતી લીધા પછી ત્યાં મોતનું તાંડવ સર્જી દેતી હતી અને પોતાની પાછળ વ્યાપક તબાહી તથા બરબાદીના દ્રશ્યોની વણઝાર છોડી જતી હતી બરાબર એ જ ઢબથી વિજેતા પાર્ટી ભાજપના કાર્યકરો અને તકનો લાભ લઈ રહેલા અપરાધી હિંસક પરિબળો હિંસાનો નગ્ન નાચ ખેલી રહ્યા છે.
આ દેશમાં કેટલીય ચૂંટણીઓ આવી અને ગઈ અને આવતી રહેશે એટલે ચૂંટણીમાં હાર-જીત તો ચાલ્યા કરતી હોય છે. આજે એક પક્ષ સત્તા પર છે તો કાલે બીજો આવી શકે છે. તેનું નામ જ સાચી લોકશાહી કહેવાય. પરંતુ પશ્ચિમ બંગાળમાં તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓ પછી સત્તા પલટો થયો અને બંગાળના ઇતિહાસમાં જે પ્રમાણે હિંસાની હુતાશની શરૂ થઈ એનાથી બંગાળની આગવી ઓળખ,સંસ્કૃતિ અને સંસ્કાર જગત ઉપર ખતરો ઉભો થયો છે.
આમ વિજય પચાવી ન શકેલા ભાજપના ઉન્માદી કાર્યકરોએ તોફાની તત્વોની સાથે મળીને બંગાળને અરાજકતાની આંધીમાં ધકેલી દીધુ છે. જો કેન્દ્ર સરકાર બંગાળની પરિસ્થિતિને કાબૂમાં લેવા અને હિંસાની જવાળાઓને ઠારવાને બદલે આડુ જોઈ જશે તો બંગાળ બીજું મણીપુર બની જશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી. અને જો આજ પરિસ્થિતિ રહી તો એ લોકશાહી માટે પણ ભયજનક હશે.





