
ઇન્સ્ટાગ્રામ પર સુરજે એક લાંબું નિવેદન શેર કર્યું “કોઈ એલિમની નથી, કોઈ વિવાદ નથી, કોઈ ત્રીજી વ્યક્તિ સામેલ નથી” : સુરજની સ્પષ્ટતા સુરજ નામ્બિયારે મૌની સાથે ડિવોર્સ બાબતે તેમની પ્રાઈવસીનું માન રાખવાની અપીલ કરી મૌની રોય અને ઉદ્યોગપતિ સુરજ નમ્બિયાર ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યાં છે, કારણ કે તેમનાં તાજેતરના ડિવોર્સની જાહેરાત બાદ ચર્ચાઓ તેજ બની છે. એક અઠવાડિયા પહેલા ઇન્સ્ટાગ્રામ પર સંયુક્ત નિવેદન દ્વારા અલગ થવાની જાહેરાત કર્યા પછી, સુરજે હવે તેમનાં લગ્નજીવનના અંત અંગે ચાલી રહેલી અટકળો પર સ્પષ્ટતા કરી છે અને એલિમની, ઝઘડા તથા ત્રીજી વ્યક્તિને લઈને ચાલી રહેલી અફવાઓને સખત શબ્દોમાં નકારી કાઢી છે.ઇન્સ્ટાગ્રામ પર સુરજે એક લાંબું નિવેદન શેર કર્યું, જેમાં અનેક અહેવાલોને “પાયાવિહોણા” અને “બદઇરાદા”થી લખાયેલા ગણાવ્યા છે. આ પોસ્ટને બાદમાં મૌની રોયે પણ પોતાની સોશિયલ મીડિયા સ્ટોરી પર ફરીથી શેર કરી હતી, જે દર્શાવે છે કે બંને ભૂતપૂર્વ દંપતી આ સમગ્ર મુદ્દે એકમત છે. પોતાનાં નિવેદનમાં સુરજે લખ્યું, “અમારા ડિવોર્સને લઈને તાજેતરમાં જે પાયાવિહોણા અહેવાલો પ્રસિદ્ધ થયા છે, તે અત્યંત ખરાબ અને બદઇરાદાથી લખાયેલા છે. હું એક વખત માટે બધું સ્પષ્ટ કરી દઉં. કોઈ એલિમની નથી. કોઈ વિવાદ નથી. કોઈ ત્રીજી વ્યક્તિ સામેલ નથી.”તેણે આગળ સ્પષ્ટતા કરી કે અલગ થવાનો ર્નિણય પરસ્પર સન્માન અને સમજદારીથી લેવામાં આવ્યો હતો. “મૌની અને મેં પરસ્પર સન્માન સાથે અને એકબીજાનાં ભવિષ્યને ધ્યાનમાં રાખીને અલગ થવાનો ર્નિણય લીધો છે. એ જ સત્ય છે. બાકી જે કંઈ પણ લખાઈ રહ્યું છે તે કાલ્પનિક છે અને કેટલાક કેસમાં બે એવા લોકોને બદનામ કરવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ છે, જેઓ ફક્ત ઇચ્છે છે કે તેમને એકલાં છોડી દેવામાં આવે.”મિત્રો અને કથિત ત્રીજી વ્યક્તિઓને લઈને ચાલી રહેલી ચર્ચાઓ પર પ્રતિક્રિયા આપતા સુરજે લખ્યું, “હું આ વાત સ્પષ્ટ રીતે અને છેલ્લી વખત કહેવા માંગું છું કે અમારા વિશે કે કોઈ ત્રીજી વ્યક્તિ વિશે જે દાવા કરવામાં આવી રહ્યા છે તેમાં કોઈ સત્ય નથી. નિર્દાેષ મિત્રોને આ મામલામાં ખેંચવાં યોગ્ય નથી. ખાસ કરીને એવા મિત્રો, જેઓનો આ બધા સાથે કોઈ સંબંધ નથી. મૌની અને મેં આ સમયગાળા દરમિયાન ગૌરવ અને સન્માન સાથે વર્તન કર્યું છે અને અમને અપેક્ષા છે કે અહેવાલ આપનારાઓ પણ અમારાં પ્રત્યે એ જ ગૌરવ જાળવી રાખશે.”બેદરકાર રિપોર્ટિંગની ટીકા કરતા સુરજે ઉમેર્યું, “કેટલાક મીડિયા હાઉસે એવી વાર્તાઓ ઘડી કાઢી છે જેમાં કોઈ તથ્ય નથી. કોઈપણ ચકાસણી વગર આવા અહેવાલો પ્રકાશિત કરાયા છે, જે અત્યંત અયોગ્ય છે. હું આ વાતને ખુલ્લેઆમ કહી રહ્યો છું, કારણ કે જાણી જાેઇને ફેલાવવામાં આવતી ખોટી માહિતી સામે મૌન રહેવું મને સ્વીકાર્ય નથી.” અંતમાં તેણે લોકોને તેમના સંયુક્ત નિવેદનનું માન રાખવાની વિનંતી કરી. “અમારા સંયુક્ત નિવેદનમાં જે કહેવું હતું તે બધું કહી દેવામાં આવ્યું છે. હું સૌને વિનંતી કરું છું કે તેનું માન રાખો અને અમને બંનેને શાંતિથી આગળ વધવા માટે સમય આપો. આભાર.” મૌની રોય અને સુરજ નમ્બિયારે જાન્યુઆરી ૨૦૨૨માં ગોવામાં નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યાં હતાં.





