
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત રાજ્ય રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (ગુજરેરા) જે રિયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોના હિતોનું રક્ષણ કરે છે. એના દ્વારા એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. વડોદરા ના સેવાસી વિસ્તારમાં આવેલા “પ્રિયા ક્રોસ રોડેસ” પ્રોજેક્ટના બિલ્ડરે સમયસર ફ્લેટ નો કબજનો ન આપતા રેરાએ ગ્રાહકના પક્ષમાં નિર્ણય આપ્યો છે. રેરા ઓથોરીટીના સભ્ય ડો.એમ.ડી.મોડિયાની કોરમ સમક્ષ ચાલેલી સુનાવણીમાં પ્રોજેક્ટના પ્રમોટર મેસર્સ શિરીન ઇન્ફ્રાસ્ટ્રકચરને ગ્રાહકને રૂપિયા ૪૦ લાખની સંપૂર્ણ રકમ વાર્ષિક ૯ ટકા વ્યાજ સાથે પરત કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદી રેશમા કનૈયાલાલ અશનાની એ સેવાસી ગામના ટી.પી સ્કીમ નંબર-૩ ખાતે આવેલી “પ્રિયા ક્રોસ રોડેસ” સ્કીમમાં ફ્લેટ નંબર B-604 રૂપિયા 40 લાખમાં બુક કરાવ્યો હતો. તારીખ 27 સપ્ટેમ્બર 2024 ના રોજ રજિસ્ટર્ડ વેચાણ કરાર કરવામાં આવ્યો હતો. ફરિયાદી એ રૂપિયા પ લાખ ચેક મારફતે અને બાકીના રૂપિયા 3૫ લાખ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની હાઉસિંગ લોનથી ચૂકવ્યા હતા.
કરાર મુજબ બિલ્ડરે 31 ડિસેમ્બર 2024 સુધીમાં ફ્લેટનો કબજો આપવાનો હતો પરંતુ બિલ્ડર સમયસર BU પરમિશન મેળવી શક્યા ન હોતા. અંતે વડોદરા મહાનગરપાલિકાએ 11 ડિસેમ્બર 2025 ના રોજ BU પરમિશન આપ્યું હતું. લાંબા વિલંબ અને બાંધકામની ગુણવત્તાના પ્રશ્નોને કારણે ગ્રાહકે રેરા એક્ટની કલમ-૧૮(૧) હેઠળ રિફંડ માટે અરજી કરી હતી. કેસમાં બેંક લોન જોડાયેલી હોવાથી વિશેષ આદેશ આપ્યો છે કે બિલ્ડરે ૪૫ દિવસમાં રૂપિયા ૪૦ લાખ અને તેના પરનું ૯ ટકા વ્યાજ સીધું ફરિયાદીના SBI હાઉસિંગ લોન ખાતામાં જમા કરાવવું પડશે. બેંકને પણ સૂચના આપવામાં આવી છે કે, લોનની બાકી રકમ સમાયોજિત કર્યા બાદ વધતી રકમ
ફરિયાદીને પરત કરવી.
ગુજરેરાના આ નિર્ણયથી સ્પષ્ટ થયું છે કે, ગ્રાહકો પાસેથી રૂપિયા લઈને સમયસર ફ્લેટનો કબજો ન આપનાર બિલ્ડરો હવે કરારની શરતોના બહાને ડિપોઝિટ જપ્ત કરી શકશે નહીં. રેરાના આ કડક વલણથી ઘર ખરીદદારોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.
આને કહેવાય “જાગો ગ્રાહક જાગો” આ છે ગ્રાહકની જાગૃતિ.





