
હરમનપ્રીત કૌરના નામે વધુ એક રેકોડ હરમનપ્રીત સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ખેલાડી બની ગઈ હરમન હવે ૨૦૨૬ના ICC T20 વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરશે, જ્યાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ભલે ઇંગ્લેન્ડ સામે ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચ હારી ગઈ હોય, પરંતુ હરમનપ્રીત કૌરે એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સને પાછળ છોડીને, કૌર હવે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી મહિલા ખેલાડી બની ગઈ છે. હરમન હવે ૨૦૨૬ના ICC T20 વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરશે, જ્યાં ભારત પાકિસ્તાન સામે ટકરાશે.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇંગ્લેન્ડ સામેની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ૬ વિકેટથી પરાજય થયો. જાેકે, કેપ્ટન હરમનપ્રીત કૌરે મેદાનમાં ઉતરતા જ ઇતિહાસ રચી દીધો. તે હવે ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ખેલાડી બની ગઈ છે. આ હરમનપ્રીતની ૩૬૮મી મેચ હતી.
અગાઉ ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સે ૩૬૭ મેચ રમીને રેકોર્ડ બનાવ્યો હતો. આજ સુધી હરમનપ્રીત કૌરે ૭ ટેસ્ટ મેચ, ૧૬૪ વનડે અને ૧૬૪ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. હરમનપ્રીત કૌર મિતાલી રાજને પાછળ છોડીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારી ભારતીય ખેલાડી પણ બની ગઈ છે. મિતાલી રાજે પોતાની કારકિર્દી દરમિયાન કુલ ૩૩૩ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.
હરમનપ્રીત કૌરે ૨૦૦૯માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી, જ્યારે તેને પાકિસ્તાન સામે મેચ રમવાની તક મળી હતી. તે સમયે ઝુલન ગોસ્વામી ટીમ ઈન્ડિયાની કેપ્ટન હતી. જાેકે, કૌરને પોતાની ડેબ્યૂ મેચમાં બેટિંગ કરવાની તક મળી નહોતી, કારણ કે તેનો વારો આવે તે પહેલાં જ ભારતે પાકિસ્તાનને હરાવી દીધું હતું. તે ૧૦ નવેમ્બર, ૨૦૦૯ના રોજ ઈંગ્લેન્ડ સામે પહેલીવાર બેટિંગ કરવા ઉતરી હતી, જેમાં તેણે આઠ રન બનાવ્યા હતા. તે જ વર્ષે હરમનપ્રીતે પોતાની પહેલી ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચ પણ રમી હતી. ૨૦૧૪માં કૌરને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. ત્યારથી તે ભારતીય ટીમનો અભિન્ન ભાગ રહી છે.
તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો, હરમનપ્રીતે અત્યાર સુધી રમેલી ૭ ટેસ્ટ મેચોમાં ૨૩૦ રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે.
કૌરે અત્યાર સુધી રમેલી ૧૬૪ વનડે મેચોમાં ૪,૫૪૧ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં હરમનપ્રીતે સાત સદી અને ૨૪ અડધી સદી નોંધાવી છે.T20 આંતરરાષ્ટ્રીય મેચોની વાત કરીએ તો, હરમનપ્રીતે ૧૯૭ મેચોમાં ૪,૦૭૫ રન બનાવ્યા છે.
હવે, હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ ICC મહિલા T20 વર્લ્ડ કપ ૨૦૨૬માં ભાગ લેવા માટે તૈયાર છે. હરમનપ્રીત વિશ્વભરમાં ફક્ત સાત મહિલા ક્રિકેટરોમાંની એક છે, જે શરૂઆતથી જ આ ટુર્નામેન્ટમાં રમી રહી છે. તે આ પહેલા નવ વર્લ્ડ કપમાં ભાગ લઈ ચૂકી છે, અને હવે તેનો દસમો વર્લ્ડ કપ છે.





