
ભારતના સ્પિનરો સામે અફઘાન બેટરો ફ્લોપ અફઘાનિસ્તાનને હરાવી ભારતે રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં સૌથી મોટી જીતનો બનાવ્યો રેકોર્ડ કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલની શાનદાર સદી, તો ડેબ્યૂ મેચમાં સ્પિનર માનવ સુથારે ૬ વિકેટ ઝડપીને અફઘાનિસ્તાનની કમર તોડી નાખી
નવા ચંદીગઢના મેદાન પર રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. ૮ જૂનના રોજ પૂરી થયેલી આ મેચમાં ભારતે અફઘાનિસ્તાનને ૧ ઇનિંગ અને ૩૦૦ રનથી કચડીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે. કેપ્ટન શુભમન ગિલ અને કેએલ રાહુલની ધમાકેદાર સદીઓ અને ત્યારબાદ પોતાની પહેલી જ મેચ રમી રહેલા સ્પિનર માનવ સુથારની ૬ વિકેટના તરખાટ સામે અફઘાન ટીમ સંપૂર્ણપણે ઘૂંટણિયે પડી ગઈ હતી. અગાઉ ૨૦૧૮માં ભારતે વેસ્ટ ઇન્ડીઝ સામે ૧ ઇનિંગ અને ૨૭૨ રનથી સૌથી મોટી જીત મેળવી હતી, જે રેકોર્ડ હવે તૂટી ગયો છે.
મેચમાં ટોસ જીતીને ભારતીય કેપ્ટન શુભમન ગિલે પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો હતો, જે એકદમ સાચો સાબિત થયો. ભારતીય બેટ્સમેનોએ અફઘાન બોલરોની બરાબરની ધોલાઈ કરીને ૮ વિકેટે ૫૬૪ રનના જંગી સ્કોર પર પોતાનો દાવ ડિકલેર કર્યો હતો.
શુભમન ગિલ: ૧૫ ચોગ્ગા અને ૧ છગ્ગાની મદદથી શાનદાર ૧૨૬ રન (ટેસ્ટ કરિયરની ૧૧મી સદી).
કેએલ રાહુલ: ૧૧ ચોગ્ગાની મદદથી ૧૦૦ રન (ટેસ્ટ કરિયરની ૧૨મી સદી).
અન્ય યોગદાન: સાઈ સુદર્શન અને ઋષભ પંતે પણ ૮૧-૮૧ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી, જ્યારે વોશિંગ્ટન સુંદરે અણનમ ૫૨ રન બનાવ્યા.
૫૬૪ રનના પહાડ જેવા સ્કોરના દબાણ સામે અફઘાનિસ્તાનની ટીમ પહેલી ઇનિંગમાં માત્ર ૧૫૨ રનમાં જ સમેટાઈ ગઈ. ડેબ્યૂ કરી રહેલા સ્પિનર માનવ સુથારે અફઘાન બેટ્સમેનોને રીતસરના નચાવ્યા અને પહેલી ઇનિંગમાં ૬ વિકેટ ઝડપી લીધી. અફઘાનિસ્તાન તરફથી માત્ર રહેમત શાહે ૬૦ રન બનાવીને થોડી લડત આપી હતી. ભારત તરફથી ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ સારી બોલિંગ કરી અને શરૂઆતની મહત્વની વિકેટો લીધી.
બીજી ઇનિંગમાં પણ શરણાગતિ (ફોલો-ઓન) :- પહેલી ઇનિંગના આધારે ૪૧૨ રનથી પાછળ રહ્યા બાદ, અફઘાનિસ્તાનને ફોલો-ઓન રમવાની ફરજ પડી હતી. બીજી ઇનિંગમાં પણ તેમની હાલત સુધરી નહીં અને આખી ટીમ માત્ર ૧૧૨ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ.
બીજી ઇનિંગમાં સ્પિનર વોશિંગ્ટન સુંદરે ૪ અને કુલદીપ યાદવે ૩ વિકેટ લઈને અફઘાનિસ્તાનનો સફાયો કરી નાખ્યો. અફઘાન ખેલાડી શરાફુદ્દીન ઈજાના કારણે બેટિંગ કરવા આવી શક્યો ન હતો.
ભારતે અફઘાનિસ્તાનને એકમાત્ર ટેસ્ટમાં એક ઈનિંગ અને ૩૦૦ રને કારમો પરાજય આપ્યો છે. આ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભારતની સૌથી મોટી જીત છે. ટીમ ઈન્ડિયા તરફથી પર્દાપણ કરનાર યુવા સ્પિનર માનવ સુથારે શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતે પ્રથમ ઈનિંગમાં ૫૬૪ રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો. જેના જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ ઈનિંગમાં ૧૫૨ રનમાં ઓલઆઉટ થઈ જતાં ભારતે ફોલોઓન આપ્યું હતું. તો બીજી ઈનિંગમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર ૧૧૨ રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ છે.
ફોલોઓન બાદ બીજી ઈનિંગમાં ઉતરેલી અફઘાનિસ્તાન ટીમના એક બાદ એક બેટરો ભારતના સ્પિનરો સામે ટકી શક્યા નહીં. અફઘાનિસ્તાન તરફથી બીજી ઈનિંગમાં માત્ર ત્રણ બેટરો બે આંકડાના સ્કોર સુધી પહોંચી શક્યા હતા. ભારત તરફથી બીજી
ઈનિંગમાં વોશિંગટન સુંદરે ૩૬ રન આપી ૪, કુલદીપ યાદવે ૩૦ રન આપી ૩, માનવ સુથાર અને પ્રસિદ્ધ કૃષ્ણાએ એક-એક વિકેટ લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતે ૮ વિકેટ પર ૫૬૪ રન બનાવી ઈનિંગ ડિકલેર કરી હતી. ભારત માટે કેપ્ટન શુભમન ગિલે સૌથી મોટી ઈનિંગ રમતા ૧૫ ચોગ્ગા અને એક સિક્સની મદદથી ૧૨૬ રન બનાવ્યા હતા. આ સિવાય કેએલ રાહુલે ૧૧ ચોગ્ગાની મદદથી ૧૦૦ રન બનાવ્યા હતા. સાઈ સુદર્શન અને પંતે ૮૧-૮૧ રનનું યોગદાન આપ્યું હતું. વોશિંગટન સુંદરે પણ અણનમ ૫૨ રન બનાવ્યા હતા. આ સિવાય યશસ્વી જયસવાલે ૨૪, ધ્રુવ જુરેલે ૧૯, માનવ સુથારે ૨૮ રન અને સિરાજે ૨૨ રન ફટકાર્યા હતા.





