અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અમેરિકામાં ગ્રીનકાર્ડના નિયમોમાં મોટું પરિવર્તન થશે રોજગાર આધારિત ગ્રીનકાર્ડ પ્રક્રિયામાં મોટા ફેરફારોની તૈયારી; ભારતીય પ્રોફેશનલ્સ પર પણ પડશે સીધી અસર અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર એમ્પ્લોઈમેન્ટ બેઝ્ડ ગ્રીનકાર્ડના નિયમોમાં આમૂલ પરિવર્તન કરવા જઈ રહી છે. અરજદાર અને તેમને નોકરીએ રાખતી અમેરિકન કંપનીએ ગ્રીનકાર્ડની અરજી કરતી વખતે એ સાબિત કરવું જરૂરી બની જશે કે જે તે વિદેશી નાગરિક એ કંપની માટે કે અમેરિકા માટે શું કામ જરૂરી છે? શું તેનો અમેરિકન વિકલ્પ તેમને મળ્યો નથી? પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ (પીઈઆરએમ)માં ફેરફાર થશે એટલે તેની અસર આ ગ્રીનકાર્ડના અરજદારો પર પડશે.અમેરિકાના લેબર વિભાગે એક તજવીજ હાથ ધરી છે. પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામમાં મોટા ફેરફારો થશે. સરકારી અધિકારીઓએ કહ્યું હતું કે અત્યારની હાઈરિંગ પ્રોસેસમાં ફેરફાર જરૂરી બની ગયો છે.
અમેરિકન યુવાનોને રોજગાર મળે તે માટે ખાસ યોજનાના ભાગરૂપે આ નવો નિયમ આવી રહ્યો છે. ૨૦ વર્ષ પછી ગ્રીનકાર્ડના નિયમોમાં ફેરફાર થશે. ૨૦૦૪માં છેલ્લે મોટું પરિવર્તન આવ્યું હતું. અમેરિકન અધિકારીઓના કહેવા પ્રમાણે જૂના નિયમોમાં ફેરફારની તીવ્ર જરૂરિયાત છે, કારણ કે ટેકનોલોજી અને નોકરીઓમાં ઘણા ફેરફાર થયા છે. અમેરિકન નાગરિકોની નોકરીઓની સુરક્ષા માટે પણ આ આવશ્યક પગલું છે.લેબર માર્કેટમાં એ ટેસ્ટ જરૂરી બની જશે કે જેમાં સાબિત કરવું પડશે કે જે જાેબ માટે વિદેશી નાગરિકની ભલામણ ગ્રીનકાર્ડ માટે થઈ રહી છે એના માટે કોઈ અમેરિકન પ્રોફેશ્નલ લાયક નથી. કંપનીઓએ અરજી વખતે જ આ ટેસ્ટ સર્ટિફિકેટ જાેડવું પડશે. વળી, નોકરી વાસ્તવિક છે કે માત્ર કાગળ પર છે તેની પણ સઘન તપાસ થશે. તેના કારણે ભારતીયો સહિત વિદેશી પ્રોફેશ્નલ્સ માટે ગ્રીનકાર્ડની પ્રોસેસ અઘરી બની જશે. વિદેશી ટેલેન્ટને આવકારતા પહેલાં અમેરિકન કંપનીઓએ એ વાતની સાબિતી આપવી પડશે કે તેમની પાસે દેશી ટેલેન્ટનો અભાવ છે.આ કામ અમેરિકન કંપનીઓ માટે બેહદ મુશ્કેલ બની જશે. આ પ્રોસેસ સીધી રીતે ગ્રીનકાર્ડના નિયમોમાં ફેરફાર નથી. પીઈઆરએમની પ્રોસેસમાં ફેરફાર છે. પણ આ ફેરફારની સીધી અસર એમ્પ્લોઈમેન્ટ ગ્રીનકાર્ડની પ્રોસેસ પર પડશે. આ નિયમમાં ફેરફાર કરવા માટે ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. તે માટે નાગરિકોના અને લાગતા-વળગતા વિભાગોના સૂચનો લેવામાં આવશે ને પછી તેને સત્તાવાર સ્વરુપ આપવામાં આવશે.





