રવીન્દ્ર જાડેજાએ રચ્યો ઇતિહાસ કેશરાની વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાએ ૩૫૦ વિકેટ પૂરી કરી રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ સુધી પહોંચનાર ભારતનો પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસે રવીન્દ્ર જાડેજાએ ઇતિહાસ રચ્યો છે. આ મેચમાં જાડેજાને પહેલી ઇનિંગમાં ૩ સફળતા મળી હતી. તેની સાથે જ તેણે પોતાના કરિયરમાં મોટી સિદ્ધિ મેળવી છે. ટીમ ઇન્ડિયાના આ દિગ્ગજ ઓલરાઉન્ડરે દિવસના ત્રીજા સેશનમાં કેશરા નવાનથાને આઉટ કરીને ભારતને સાતમી સફળતા અપાવી હતી. આ વિકેટ સાથે જ તેણે ઘણાં મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા. તેણે ભારતીય ટીમ માટે એવું કામ કરી બતાવ્યું, જ્યાં સુધી તેના પહેલા કોઈ અન્ય ભારતીય ખેલાડી પહોંચી શક્યો નથી. કેશરાની વિકેટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં તેણે ૩૫૦ વિકેટ પૂરી કરી. આ મેચ પહેલા તેના નામે ૩૪૮ ટેસ્ટ વિકેટ નોંધાયેલી હતી.
રવીન્દ્ર જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં ૩૫૦ વિકેટ સુધી પહોંચનાર ભારતનો પહેલો લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે. લેફ્ટ આર્મ સ્પિનર તરીકે ભારત માટે સૌથી વધુ વિકેટ લેવાના મામલે તેના પછી પૂર્વ ભારતીય દિગ્ગજ બિશન સિંહ બેદીનું નામ આવે છે. જેણે ૨૬૬ વિકેટ સાથે પોતાના કરિયરને વિરામ આપ્યો હતો.
ઓવરઓલ લિસ્ટની વાત કરીએ તો જાડેજા દુનિયાનો માત્ર ત્રીજાે ૩૫૦ ટેસ્ટ વિકેટ લેનાર લેફ્ટ આર્મ સ્પિન બોલર છે. તેણે રંગના હેરાથ અને ડેનિયન વિટોરીના ક્લબમાં જગ્યા બનાવી છે. હેરાથના નામે સૌથી વધુ ૪૩૩ વિકેટ છે, જ્યારે વિટોરીના નામે ૩૬૨ વિકેટ નોંધાયેલી છે. જાડેજા આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. ટોપ-૫માં અન્ય બે નામ ડેરેક અંડરવુડ અને તાઇજુલ ઇસ્લામ છે. જેઓએ ક્રમશ: ૨૯૭ અને ૨૭૧ વિકેટ ઝડપી છે.
૩૫૦ ટેસ્ટ વિકેટનો આંકડો પાર કરતા જાડેજા ભારત માટે આ સિદ્ધિ મેળવનાર માત્ર પાંચમો ખેલાડી બની ગયો છે. જાડેજા પહેલા અનિલ કુંબલે, રવિચંદ્રન અશ્વિન, કપિલ દેવ અને હરભજન સિંહ જ આ કામ કરી શક્યા છે. ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અનિલ કુંબલેના નામે છે. કુંબલેએ પોતાના કરિયરમાં ૬૧૯ વિકેટ, જ્યારે હરભજન સિંહે ૪૧૭ વિકેટ લીધી છે. હવે આ યાદીમાં જાડેજાનું નામ પણ સામેલ થઈ ગયું છે.
ટેસ્ટ ક્રિકેટમાં જાડેજાના નામે પહેલાથી જ ૪૦૦૦થી વધુ રન નોંધાયેલા છે. હવે તેણે ૩૫૦ વિકેટ પણ પૂરી કરી લીધી છે. તેની સાથે જ જાડેજાએ ૩૫૦ વિકેટ સાથે ૪૦૦૦થી વધુ ટેસ્ટ રન એવો ડબલ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. જે ક્રિકેટના ઇતિહાસમાં ઘણો દુર્લભ છે. દુનિયામાં તેની પહેલા માત્ર ત્રણ ખેલાડી આ ક્લબમાં પહોંચી શક્યા હતા. આ લિસ્ટમાં સૌથી ઉપર કપિલ દેવ છે. કપિલ દેવે ટેસ્ટ ક્રિકેટમાં ૫૨૪૮ રન અને ૪૩૪ વિકેટ મેળવી હતી. ત્યાર બાદ ઇંગ્લેન્ડના મહાન ઓલરાઉન્ડર ઇયાન બોથમનું નામ આવે છે. જેણે ૫૨૦૦ રન અને ૩૮૩ વિકેટ લીધી છે. જ્યારે ત્રીજું નામ ન્યૂઝીલેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર ડેનિયન વિટોરીનું છે, જેણે ૪૬૩૧ રન અને ૩૬૨ વિકેટ સાથે પોતાના કરિયરને વિરામ આપ્યો હતો.





