અફઘાન-પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદે જાેર પકડ્યું પાક-અફઘાન સરહદે આરપારની લડાઈ શરૂ : ૨૮ લડાકુ ઠાર થયા પૂર્વી પ્રાંત નૂરીસ્તાનમાં પાકિસ્તાન તરફથી સરહદ પાર કરીને આવેલા ૨૮ લડવૈયાઓને ઠાર, ૩૨ની ધરપકડ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી વિવાદ ફરી એકવાર આગ ઝરતી તેજી પર આવી ગયો છે.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, પૂર્વી પ્રાંત નૂરીસ્તાનમાં અમારા દળોએ પાકિસ્તાન તરફથી સરહદ પાર કરીને આવેલા ૨૮ લડવૈયાઓને ઠાર કર્યા છે અને અન્ય ૩૨ની ધરપકડ કરી છે. કાબુલે આરોપ લગાવ્યો છે કે, આ લડવૈયાઓને પાકિસ્તાની મિલિશિયાનું સમર્થન પ્રાપ્ત હતું. બીજી તરફ, પાકિસ્તાને આ તમામ આરોપોને સદંતર ફગાવી દીધા છે.
અફઘાન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, લડવૈયાઓનું આ જૂથ શનિવારે નૂરીસ્તાનના કામદેશ જિલ્લામાં પાકિસ્તાન સરહદેથી હુમલા કરવાના ઈરાદે ઘૂસ્યું હતું. અફઘાન દળોએ ચલાવેલા ઓપરેશનમાં ૨૮ ઘૂસણખોરો માર્યા ગયા, જ્યારે બાકીના લડવૈયા પાકિસ્તાની ચોકીઓ તરફ ભાગી ગયા હતા.
કાબુલનો દાવો છે કે, પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ આ લડવૈયાઓ સાથે જાેડાયેલા હતા, પરંતુ અથડામણ શરૂ થતાં જ તેઓ પાછળ હટી ગયા હતા. મંત્રાલયે એવો પણ આક્ષેપ કર્યો છે કે, પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓએ ભૂતપૂર્વ અફઘાન સુરક્ષાકર્મીઓને રોજગારી અને સહાયનું વચન આપીને પાકિસ્તાનમાં તાલીમ આપી હતી અને ત્યારબાદ તેમને હુમલા માટે નૂરીસ્તાન મોકલ્યા હતા.
પાકિસ્તાનના માહિતી મંત્રાલયે અફઘાનિસ્તાનના આ તમામ દાવાઓને પાયાવિહોણા અને સત્યથી વેગળા ગણાવ્યા છે. પાકિસ્તાન સરકારે સ્પષ્ટતા કરી છે કે, તેમની કોઈ ગુપ્તચર એજન્સી કે સુરક્ષા દળ આ હુમલામાં સામેલ નથી. પાકિસ્તાને પૂર્વ સુરક્ષાકર્મીઓને તાલીમ આપવાની કે ઇસ્લામિક સ્ટેટ જેવા આતંકી જૂથોને મદદ કરવાની વાતને સંપૂર્ણપણે ખોટી ગણાવી છે.




