ટાઇગર પર હુમલા બાદ સલમાન ખાનને ધમકી લોરેન્સ બિશ્નોઈની માફી માંગ, નહીંતર કોઈ નહીં બચે ટાઇગર શ્રોફની કાર પર ૭ રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં અનિલ પંડિતે ઓડિયો ક્લિપ જાહેર કરી સલમાન ખાનને ધમકી આપી છે અભિનેતા ટાઇગર શ્રોફની કાર પર થયેલા ફાયરિંગની જવાબદારી સ્વીકારનારા અનિલ પંડિતની એક ઓડિયો ક્લિપ સામે આવી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચ દ્વારા શેર કરવામાં આવેલા આ ઓડિયોમાં અનિલ પંડિતે બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને સીધી ધમકી આપી છે અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ તેમજ બિશ્નોઈ સમાજની માફી માંગવા કહ્યું છે.
વાઇરલ થયેલા ઓડિયોમાં અનિલ પંડિતે કહ્યું છે કે, સલમાન ખાન, ધ્યાનથી સાંભળી લે. જાે તું મારા મોટા ભાઈ લોરેન્સ બિશ્નોઈ અને બિશ્નોઈ સમાજની માફી નહીં માંગે, તો અમે તારા ઘરમાં એક કૂતરાને પણ નહીં છોડીએ. અમે તારા સમગ્ર પરિવારને બરબાદ કરી દઈશું. એવું ન વિચારતો કે તું સુરક્ષામાં છે એટલે તારું કંઈ નહીં થાય.
મુંબઈના જુહૂ વિસ્તારમાં આવેલી પુષ્પા નરસી પાર્ક (જામનાબાઈ નર્સરી) પાસે રવિવારે સાંજે લગભગ ૭ વાગ્યે આ ઘટના બની હતી. ટાઇગર શ્રોફ બહાર નીકળી રહ્યો હતો ત્યારે બાઇક પર આવેલા ૩ હુમલાખોરોમાંથી ૨ લોકોએ તેમની બીએમડબ્લ્યુ કાર પર ફાયરિંગ કર્યું હતું, જ્યારે ત્રીજાે વ્યક્તિ બાઇક પર ભાગવામાં મદદ કરવા ઊભો હતો. હુમલાખોરોએ અંદાજે ૭ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
આ હુમલામાં ટાઇગર શ્રોફ ગોળી વાગવાથી બચી ગયો હતો, જાેકે કારના કાચ તૂટવાના કારણે તેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેના ડ્રાઇવર ફિરદોસના ડાબા હાથમાં ગોળી વાગી છે, જ્યારે એક રાહદારી પણ ઈજાગ્રસ્ત થયો છે.
ઘટના બાદ અનિલ પંડિત અને હરમાન સંધૂ નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. તેણે દાવો કર્યો હતો કે ટાઇગર શ્રોફને સલમાન ખાન સાથે કામ ન કરવા માટે પહેલા ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેણે આ વાતને અવગણી હતી.
પોસ્ટમાં એવું પણ લખવામાં આવ્યું હતું કે, મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જે કોઈ અમારું નહીં સાંભળે અથવા સલમાન ખાન સાથે કામ કરશે, આગામી નંબર તેનો હશે.
મુંબઈ પોલીસે આ સોશિયલ મીડિયા પોસ્ટ અને ઓડિયો ક્લિપની સત્યતા તપાસવાનું શરૂ કરી દીધું છે. ક્રાઈમ બ્રાંચ સહિત પોલીસની ૧૫ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ સીસીટીવી ફુટેજ અને ફોરેન્સિક પુરાવાઓની મદદથી હુમલાખોરોની શોધખોળ કરી રહી છે.




