રાજપીપળા-રામગઢ વચ્ચે કરજણ નદી પર ગ્રામજનોએ જે કામ ચલાઉ બ્રિજ (કોઝવે) બનાવ્યો હતો, એ હવે ધોવાઈ ગયો છે. આ ઘટના વિશે જાણ થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તથા નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાજપીપળા અને રામગઢ વચ્ચે 10-12 ગામડાઓને જોડતો એક રસ્તો છે, ત્યાં 10 કરોડ 70 લાખના ખર્ચે બ્રિજ બનાવવામાં આવ્યો છે, 2018 થી 20 દરમિયાન આ બ્રિજ બન્યો હતો અને આજદિન સુધી આની રીબીન કાપવામાં આવી નથી. આ બ્રિજના ખાતમુરતમ સમયે રામસિંગ રાઠવા સાંસદ હતા, ત્યારબાદ ગીતાબેન રાઠવા સાંસદ બન્યા અને અત્યારે જશુભાઈ રાઠવા પોતે સાંસદ છે, આ લોકો આજ દિન સુધી રીબીન કાપી નથી અને બ્રિજનો એક પીલર તૂટી ગયો છે. હવે ગ્રામજનોએ ભેગા મળીને બે લાખના ખર્ચે કોઝવે બનાવ્યો અને એને બે પાંચ દિવસ થયા અને કોઈ મોટા નેતાના કહેવાથી કે કોઈના દબાણથી કરજણ ડેમમાંથી હજારો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, આ પાણીને ખેતરોમાં ખેડૂતોને જરૂરત છે પરંતુ એ પાણીને આ નદીમાં છોડવામાં અને તંત્ર દ્વારા આ રીતે બ્રિજ (કોઝવે) ને તોડી નાખવામાં આવ્યો છે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે, અહીંથી એક કિલોમીટરના અંતરે ધારાસભ્યનું ઘર છે, સાંસદ મનસુખભાઈ વસાવાનું ઘર છે. આજે કોઈ પણ કોન્ટ્રાક્ટમાં 40-60 નો રેસીયો હોય છે અને કોન્ટ્રાક્ટર પર FIR કરવામાં આવે છે પરંતુ 40% રૂપિયા કમલમમાં જાય છે, અધિકારીઓના ખિસ્સામાં જાય છે, તો આવા લોકો પર કેમ એક્શન લેવામાં આવતી નથી? તો હવે પાણી છોડવાના કારણે જે કામ ચલાઉ બ્રિજ (કોઝવે) બનાવ્યો હતો, એને સાત દિવસમાં બનાવી દેવામાં આવે એવી અમારી માંગ છે, જો સાત થી દસ દિવસમાં આ બનાવવામાં નહીં આવે તો 10 થી 12 ગામડાનાં લોકોને સાથે રાખીને કલેકટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડે તો ત્યાં ગાંધીચિંધ્યા માર્ગે ધરણા પર બેસીશું. આ બ્રિજ (કોઝવે) તૂટી જવાના કારણે નોકરી પર જતા લોકો, સરકારી કર્મચારીઓ, ખેડૂતો, વેપારીઓ, વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે, હવે એ લોકોને 15 થી 20 કિલોમીટર ફરીને જવું પડે છે. આ સમસ્યાનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે, નહીંતર અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું.




