પેરાગ્વેમાં સત્તા પરિવર્તનથી ખળભળાટ બેન્કિંગ કૌભાંડમાં રાષ્ટ્રપતિ પદભ્રષ્ટ, ૪૪-૦થી મહાભિયોગ ઉએનો બેન્ક કૌભાંડમાં પેન્શન ફંડના દુરુપયોગના આરોપો, નવા રાષ્ટ્રપતિએ સંભાળી દેશની બાગડોર સત્તાની ટોચ પર બેઠેલા શાસકો જ્યારે નાણાકીય સંસ્થાઓ સાથે મિલીભગત કરીને પ્રજાના પૈસા જાેખમમાં મૂકે છે, ત્યારે તેનું પરિણામ કેટલું ગંભીર હોઈ શકે તેનો દાખલો પેરાગ્વેમાં સામે આવ્યો છે. પેરાગ્વેના રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેનાને ઉએનો બૅન્કના પતન અને નાણાકીય ગેરરીતિઓ સાથે જાેડાયેલા કૌભાંડમાં સેનેટ દ્વારા સર્વાનુમતે મહાભિયોગ ચલાવીને સત્તા પરથી હટાવી દેવામાં આવ્યા છે. સત્તા છીનવાયાના ગણતરીના કલાકોમાં જ પ્રોસિક્યુટર્સે તેમની સામે ધરપકડનું વોરંટ પણ બહાર પાડી દીધું છે, તેમને નજર કેદ કર્યા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે. આ કારણે સમગ્ર દક્ષિણ અમેરિકાના રાજકારણમાં ભારે ચકચાર મચી ગઈ છે.પેરાગ્વેમાં ‘ઉએનો બૅન્ક’ નામની એક ખાનગી ડિજિટલ બૅન્ક અચાનક ડૂબી ગઈ, જેના કારણે આશરે ૩૦ લાખ સામાન્ય લોકોના પૈસા અને ખાતાઓ બ્લોક થઈ ગયા. તપાસમાં બહાર આવ્યું કે તત્કાલીન રાષ્ટ્રપતિ સેન્ટિયાગો પેના પહેલાં આ જ બૅન્કમાં શેરહોલ્ડર હતા અને તેમણે પોતાના પદનો દુરુપયોગ કરીને બૅન્કના જ એક પૂર્વ અધિકારીને બૅન્કિંગ રેગ્યુલેટર (સેન્ટ્રલ બૅન્ક)ના વડા બનાવી દીધા હતા. આટલું જ નહીં, કાયદાકીય મર્યાદા બહાર જઈને સરકારી પેન્શન ફંડના ૩૫.૫ કરોડ ડૉલર પણ નિયમો નેવે મૂકીને આ ખાનગી બૅન્કમાં જમા કરાવી દીધા હતા. જ્યારે બૅન્કનું સંકટ ઘેરું બન્યું અને લોકો રસ્તા પર આવ્યા, ત્યારે રાષ્ટ્રપતિએ કાનૂની રક્ષણ મેળવવા રાજીનામાનો દાવ ખેલ્યો; પરંતુ સેનેટે રાજીનામું ફગાવી ૪૪-૦થી મહાભિયોગ ચલાવી તેમને સત્તા પરથી હટાવી દીધા, તેમની આજીવન ઈમ્યુનિટી રદ કરી અને તેમને ઘરમાં નજરકેદ કર્યા, જ્યારે ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.ઉએનો બૅન્ક સંકટ બાદ ઊભા થયેલા વિરોધ વચાળે પેરાગ્વેની સેનેટમાં પેના વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ ૪૪ સેનેટરોએ તેમના વિરોધમાં અને પદ પરથી હટાવવાની તરફેણમાં એકમતથી મતદાન કર્યું હતું. જાેકે, સેન્ટિયાગો પેનાએ પોતાનો બચાવ તૈયાર કરવા માટે વધારાના સમયની માગણી કરી હતી અને એવી દલીલ કરી હતી કે તેમને મહાભિયોગના આરોપોનું દસ્તાવેજ ગુરુવારે મોડી રાત્રે જ મળ્યું હતું. સેનેટે તેમની આ દલીલ ફગાવી દીધી હતી અને નોંધ્યું હતું કે પેના પોતે બચાવ રજૂ કરવા માટે નિર્ધારિત સમયે હાજર રહ્યા નહોતા. ત્યારબાદ સેનેટે સીધા પુરાવાઓની સમીક્ષા શરૂ કરી દીધી હતી. જાેકે કાર્યવાહીના અંતિમ તબક્કામાં તેમના બચાવ પક્ષના વકીલો કોંગ્રેસમાં પહોંચ્યા હતા, પણ ત્યાં સુધીમાં ર્નિણય લેવાઈ ચૂક્યો હતો.સ્થાનિક અખબાર આ મોટા બૅન્કિંગ કૌભાંડની તપાસ કરી રહેલી ચાર પ્રોસિક્યુટર્સની ટીમે પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ સામે વિશ્વાસઘાત સહિતના અન્ય ગુનાઓ હેઠળ ધરપકડનો આદેશ આપ્યો છે. આ આદેશ અમલમાં મૂકવા માટે નેશનલ પોલીસને મોકલી દેવાયો છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સી અનુસાર, પેના પર ખાનગી બૅન્ક સાથે હિતોના ટકરાવ, નિયમોમાં ગોટાળા અને સરકારી પેન્શન ફંડના દુરુપયોગ જેવા ગંભીર આરોપો લાગેલા છે.આ સમગ્ર વિવાદનું મુખ્ય કેન્દ્ર ઉએનો બૅન્કનું અચાનક થયેલું પતન છે.




