૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટવાની શક્યતા નવસારીમાં છઠ્ઠ પૂજાની ભવ્ય તૈયારીઓ, ભારે ઉત્સાહ ગાંધી ફાટક પાસે નેહર કિનારે થશે આયોજન; શ્રદ્ધાળુઓની સુવિધા માટે ટોકન સિસ્ટમ, સુરક્ષિત સીડીઓ અને પાર્કિંગની વ્યવસ્થા ઉત્તર ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને પ્રકૃતિ પ્રત્યેના સમર્પણનું પ્રતીક ગણાતા મહાપર્વ છઠ્ઠ પૂજાને લઈને નવસારીમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. સાર્વજનિક છઠ્ઠ પૂજા સમિતિ અને મૈથિલી યુવા મંચના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે શહેરના ગાંધી ફાટક નજીક આવેલી સ્વામિનારાયણ સ્કૂલ પાસે નેહર કિનારે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પર્વમાં અંદાજે ૫ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
છઠ્ઠ પૂજામાં મોટી સંખ્યામાં વ્રતધારીઓ અને શ્રદ્ધાળુઓ ભાગ લેવાના હોવાથી આયોજકો દ્વારા અત્યારથી જ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પૂજા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તેમજ સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.
આયોજન અંગે માહિતી આપતાં નીરજભાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ભીડનું યોગ્ય સંચાલન થાય તે માટે ખાસ ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત, વ્રતધારીઓને પૂજા દરમિયાન પાણીમાં ઉતરતી વખતે મુશ્કેલી ન પડે તે માટે સુરક્ષિત સીડીઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
કાર્યક્રમના સ્થળે ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે, જ્યાં ભજન મંડળી દ્વારા ભક્તિમય કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. વાહનચાલકોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં સુરક્ષિત પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પૂજામાં ભાગ લેનારા વ્રતધારીઓ અને મહેમાનો માટે ચા તથા પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આમ, ઉત્તર ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક સમાન છઠ્ઠ મહાપર્વને ભક્તિમય અને સુવ્યવસ્થિત રીતે ઉજવવા માટે નવસારીમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.




