અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મોટો ઝટકો ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર આકાશ દીપ હવે મેચમાં આગળ રમી શકશે નહીં આકાશ દીપને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસનના એક જ ઓવરમાં સતત બે બાઉન્સર હેલ્મેટ પર વાગ્યા હતા
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેગલી ઓવલ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઈજાગ્રસ્ત ફાસ્ટ બોલર આકાશ દીપ હવે મેચમાં આગળ રમી શકશે નહીં. તેના સ્થાને ભારતીય ટીમે પ્રસિદ્ધ કૃષ્ણાને કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યો છે.
મેચના ત્રીજા દિવસે ભારતની પ્રથમ ઈનિંગ્સ દરમિયાન બેટિંગ કરતી વખતે આકાશ દીપને ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાયલ જેમિસનના એક જ ઓવરમાં સતત બે બાઉન્સર હેલ્મેટ પર વાગ્યા હતા.
આ ઘટના બાદ ભારતીય ટીમના ફિઝિયોએ તાત્કાલિક તેની તપાસ અને સારવાર કરી હતી. ત્યારબાદ આકાશ દીપે ફરી બેટિંગ શરૂ કરી હતી. જાેકે, મેડિકલ ટીમ તેની સ્થિતિ પર સતત નજર રાખી રહી હતી.
આકાશ દીપે ભારતની પ્રથમ ઈનિંગ્સમાં ૫૨ બોલમાં ૨૯ રન બનાવ્યા હતા. તેણે ધ્રુવ જુરેલ સાથે આઠમી વિકેટ માટે ૪૬ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીએ ભારતને ફોલોઓનથી બચાવવામાં મદદ કરી હતી.
આકાશ દીપે આ ટેસ્ટની પ્રથમ ઈનિંગ્સમાં બોલિંગ દરમિયાન પણ અસરકારક પ્રદર્શન કર્યું હતું. તેણે ૯૯ રન આપીને ૫ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ કારકિર્દીમાં બીજી વખત તેણે એક ઈનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. આકાશ દીપની ગેરહાજરીમાં હવે પ્રસિદ્ધ કૃષ્ણા ભારતીય બોલિંગ આક્રમણની જવાબદારી સંભાળશે. કન્કશન સબસ્ટિટ્યૂટ તરીકે તેની એન્ટ્રી બાદ ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની બાકીની મેચમાં તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. આકાશ દીપની ઈજા ભારતીય ટીમ માટે ચિંતાનો વિષય બની છે, ખાસ કરીને જ્યારે તેણે પ્રથમ ઈનિંગ્સમાં પાંચ વિકેટ લઈને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.




