
તીસ માર ખાનની નિષ્ફળતા વિશે ફરાહે કહ્યું ‘હું તો પથારીમાંથી પણ ઊઠી શકતી નહોતી’ આપણી ઇન્ડસ્ટ્રીમાં લોકો તમારી સફળતા માટે ખુશ થવા કરતાં, બીજા લોકોની નિષ્ફળતા માટે વધુ ખુશ થાય છે.
ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં પોતાના કૅરિયરના સૌથી મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યાે છે. તેણે જણાવ્યું કે ૨૦૧૦માં આવેલી તેની ફિલ્મ તીસ માર ખાનને મળેલા વિરોધ અને ટીકા કારણે તેને પ્રોફેસનલ અને ઇમોશનલ રીતે ભારે અસર થઈ હતી.તાજેતરમાં એક પોડકાસ્ટ શોમાં થયેલી વાતચીત દરમિયાન ફરાહે ફિલ્મ રિલીઝ પછીના સમયને પોતાના કરિયરની “સૌથી અંધકારમય અવસ્થા” ગણાવી. તે સમયને યાદ કરતાં તેણે કહ્યું કે પહેલાંની સફળ ફિલ્મો બાદ તે ખૂબ આત્મવિશ્વાસમાં હતી અને તેને લાગતું હતું કે તેની સફળતા તેને કઠોર ટીકા સામે બચાવી લેશે. “મને લાગતું હતું કે મારા પર કોઈ પ્રશ્ન નહીં ઉઠાવે કારણ કે મેં તાજેતરમાં જ ઓમ શાંતિ ઓમ બનાવી હતી.” આ ૨૦૦૭ની બ્લોકબસ્ટર ફિલ્મમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં હતા.પરંતુ તીસ માર ખાનને મળેલી પ્રતિક્રિયા તેની અપેક્ષા કરતાં ઘણી વધારે કઠોર હતી. અક્ષય કુમાર અને કેટરીના કૈફ અભિનીત આ ફિલ્મને રિલીઝ પછી ભારે ટીકા મળી હતી, ભલે તેમાં “શીલા કી જવાની” જેવા લોકપ્રિય ગીતથી ચર્ચા થઈ હતી.
ફરાહે સ્વીકાર્યું કે આ ટીકા તેને ખૂબ જ આકરી લાગી હતી. ફરાહે કહ્યું, “હું તો કેટલાય દિવસો સુધી પથારીમાંથી પણ ઊઠી શકતી નહોતી.” તેણે જણાવ્યું કે ફિલ્મને મળેલી પ્રતિક્રિયાએ તેને ભાવનાત્મક રીતે કેટલી અસર કરી હતી.તેણે એ પણ જણાવ્યું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકો આ નિષ્ફળતાથી ખુશ જણાતા હતા. તેના કહેવા મુજબ આ શો બિઝનેસની એક નરી હકીકત દર્શાવે છે. “આપણી ઇન્ડસ્ટ્રીમાં લોકો તમારી સફળતા માટે ખુશ થવા કરતાં, બીજા લોકોની નિષ્ફળતા માટે વધુ ખુશ થાય છે.” એમ તેમણે કહ્યું. કેટલાક લોકોએ તો “અબ આઈ ના લાઇન પર” જેવાં નિવેદનો પણ કર્યાં હતાં, જેનો અર્થ એ હતો કે હવે તેને ‘ હવામાંથી જમીન પર ઉતારી દેવામાં આવી છે’.૨૦૧૦માં રિલીઝ થયેલી તીસ માર ખાનને ત્યારે મોટા ભાગે નકારાત્મક પ્રતિભાવો મળ્યા હતા, છતાં બોક્સ ઓફિસ પર ફિલ્મે મધ્યમ સફળતા મેળવી હતી અને પછીથી યુવા દર્શકો વચ્ચે એક પ્રકારની કલ્ટ ફોલોઇંગ પણ બની ગઈ હતી.આજે એ દિવસો યાદ કરીને ફરાહ ખાન કહે છે કે આ અનુભવથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા અને નિષ્ફળતા વિશેનો તેનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. ભલે તે સમયે ટીકા દુખદાયક હતી, પરંતુ હવે તે તેને એક એવા ટર્નિંગ પોઈન્ટ તરીકે જુએ છે જેના કારણે તે વધુ મજબુત અને ફ્લેક્સિબલ ફિલ્મમેકર બની શકી.




