
૨૨ છોડ સાથે લાખોનો મુદ્દામાલ જપ્ત ઈસરોડીયા ગામના ખેતરમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયંુ બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે પંચમહાલ જિલ્લામાં નશાબંધી અભિયાન હેઠળ પોલીસે મોટી સફળતા મેળવી છે. ગોધરા તાલુકાના ઈસરોડીયા ગામે એક ખેતરમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતું ગાંજાનું વાવેતર પોલીસે ઝડપી લીધું છે. બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસે લાખોની કિંમતનો નશીલો પદાર્થ કબજે કર્યો છે.
પંચમહાલ એસપી હરેશ દુધાતની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે ઈસરોડીયા ગામમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગામના ખેડૂત દેવેન્દ્રસિંહ રાઉલજીના ખેતરમાંથી શંકાસ્પદ વાવેતર મળી આવ્યું હતું. નિરીક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે, ખેતરમાં અન્ય પાકની આડમાં લીલા ગાંજાના છોડ ઉગાડવામાં આવ્યા હતા.
પોલીસે ખેતરમાંથી કુલ ૨૨ નંગ લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા છે. આ જપ્ત કરાયેલા છોડનું વજન આશરે ૫.૨૯ કિલો જેટલું થાય છે, જેની બજાર કિંમત અંદાજે રૂપિયા ૨,૬૪,૭૫૦ આંકવામાં આવી છે. પોલીસે તમામ છોડ મૂળમાંથી ઉખેડીને મુદ્દામાલ તરીકે કબજે લીધા છે.
આ મામલે પોલીસે ખેડૂત દેવેન્દ્રસિંહ રાઉલજી વિરૂદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ગાંજાનું વાવેતર કેટલા સમયથી ચાલતું હતું અને તેનો વેચાણ ક્યાં કરવામાં આવતું હતું તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લામાં નશાના કારોબારને ડામવા માટે પોલીસની આ કામગીરીની પંથકમાં ભારે ચર્ચા થઈ રહી છે.





