
ઉમંગ અને ઉલ્લાસના ઉતરાયણ પર્વ અવસરે ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત પતંગ મહોત્સવ-૨૦૨૬નો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શાનદાર પ્રારંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નગરજનો સાથે પતંગ ઉડ્ડયન ના આનંદ માં સહભાગી થયા હતા અને ઉતરાયણ પર્વ ની શુભેચ્છાઓ પાઠવી હતી.
તેમણે મુક્ત આકાશમાં પતંગ ઉડાવીને નગરજનોને મમરાનાં લાડુ અને ચિક્કીનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સૌ નાગરિકોને ઉતરાયણ ની શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, પતંગ ઉડ્ડયનના પર્વમાં લોકો પોતાના પતંગને જેમ આકાશમાં ઉડાડે છે, તેમ જ સૌ નાગરિકોના જીવનમાં આ પર્વ ઉન્નતિની સાથે સુખ, શાંતિ અને સમૃદ્ધિ ની પણ નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરાવનારું ઉમંગ પર્વ બને.
મુખ્યમંત્રીશ્રીએ આ ‘ગાંધીનગર પતંગોત્સવ’ના બલૂનને આકાશમાં ઉડાડીને પતંગ મહોત્સવ-૨૦૨૬ની ઉજવણી કરાવી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર શ્રી મીરાબેન પટેલ, ધારા સભ્ય શ્રીમતી રીટા બહેન પટેલ,ડેપ્યુટી મેયર શ્રી નટુજી ઠાકોર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગ વ્યાસ, ગાંધીનગર શહેર ભાજપ અધ્યક્ષ શ્રી આશિષ દવે, જિલ્લા કલેકટર શ્રી મેહુલ દવે, વિદેશી પતંગબાજો સહિત નગરજનો અને બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.




