
બેની ધરપકડ કરવામાં આવી, ૪ ફરાર.વાપીના રહેણાક વિસ્તારમાંથી નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું.હરિયાપાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફલેટમાં રૂ.૫૦૦ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું.વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે વાપીના હરિયાપાર્કમાં આવેલા નક્ષત્ર પેલેસના એક ફલેટમાં દરોડા પાડી રૂ.૫૦૦ના દરની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું છે, પોલીસે ફ્લેટમાંથી રૂ.૫૦૦ના દરથી નકલી ૧૨૧૫ નોટ, બે મોબાઈલ, રોકડા રૂ. ૧૫૮૦, નોટ બનાવવા ઉપયોગમાં લેવાયેલા સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી મહિલા સહિત બે આરોપીની ધરપકડ કરી છે.
વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પોલીસની ટીમ વાપીના ડુંગરા હરિયાપાર્ક વિસ્તારમાં પહોંચી હતી. જયા રોડ પર બાતમી મુજબના વર્ણનવાળા શખ્સને અટકાવી તેની તપાસ કરી હતી, ૫૦૦ની નકલી નોટ મળી આવતા તેની કડક હાથે પૂછપરછ કરાઇ હતી. જે બાદ મળેલી માહિતીના આધારે પોલીસે હરિયાપાર્કના નક્ષત્ર પેલેસમાં આવેલા ફલેટમાં છાપો માર્યો હતો. પોલીસે ફલેટ માલિક છાયાદેવી સુરેશ મંડલ પાસે ફલેટ ખોલાવ્યો હતો.
પોલીસની ટીમ ફ્લેટમાં પ્રવેશી તપાસ કરતા ફલેટમાં રૂ.૫૦૦ના દરની નકલી નોટ બનાવવાનું ગંભીર કૃત્ય કરાતું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ફલેટમાંથી રૂ.૫૦૦ના દરની ૧૨૧૫ નોટ, કલર પ્રિન્ટર સહિતના સાધનો મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી બે આરોપી સંજય સોમનાથભાઈ પવાર (ઉ.વ.૫૧, રહે. ચણોદ કોલોની, વાપી) અને ફ્લેટ માલિક છાયાદેવી સુદેશ મંડલ (ઉં.વ.૪૦, રહે. ભડકમોરા, વાપી)ની ધરપકડ કરી હતી. પૂછપરછમાં અન્ય આરોપી દિલીપ ત્ર્યબક કાપસે, સ્વાતિ સહિત ચાર શખ્સોના નામો ખુલતા તમામને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ આદરી છે.
આરોપી મહિલાની પૂછપરછ દરમિયાન સંજય પવારે તેના સાળા તથા અન્ય બે સાથે ફલેટ માલિક છાયાદેવી સાથે બેઠક કરાવી હતી. જે દરમિયાન વોન્ટેડ આરોપીઓએ છાયાદેવીને રૂ.૫૦૦ના દરની નકલી નોટ છાપવા માટે વાતચીત કરી હતી. સાથે છાયાદેવીને રૂ.૩૦ લાખના રૂ.૮૦ લાખ બનાવી આપવા લાલચ આપી હતી. લાલચમાં આવી છાયાદેવીએ નકલી નોટ છાપવા માટે સાધનો ખરીદી ફલેટમાં જ કામગીરી શરૂ કરી હતી.




