
૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા ફેરફાર થઈ શકે ગુજરાતમાં ૫૦ ટકા જેટલી વધી જશે વિધાનસભાની બેઠકો કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશના રાજકીય નક્શામાં મોટા ફેરફાર થઈ શકે છે. કેન્દ્ર સરકારનો ઉદ્દેશ્ય ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા દેશભરમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે. એટલે કે રાજ્ય વિધાનસભાથી લઈને લોકસભા સુધી યોજાનારી ચૂંટણીમાં મહિલાઓને ૧/૩ અનામત મળશે. આ પહેલાં પરિસીમન થશે અને દેશભરમાં દરેક રાજ્યોમાં વિધાનસભા અને લોકસભાની સીટો વધી જશે. તેવામાં ગુજરાતમાં પણ ધારાસભ્યોની સંખ્યા વર્તમાન ૧૮૨થી વધીને ૨૭૩ થઈ શકે છે.
કેન્દ્ર સરકાર મહિલા અનામત લાગૂ કરશે તો તેની અસર ગુજરાત પર પણ થશે. ગુજરાતમાં વિધાનસભા બેઠકોના નવા પરિસીમન થશે અને નવી બેઠકો પણ અસ્તિત્વમાં આવશે. વર્તમાનમાં ગુજરાતમાં ૧૮૨ વિધાનસભા સીટો છે, જે વધીને ૨૭૩ સુધી પહોંચી શકે છે. એટલે કે રાજ્યમાં ૯૦ જેટલી બેઠકો વધી જશે. પરિસીમન બાદ વર્તમાન વિધાનસભાની બેઠકોમાં મોટા ફેરફાર થશે. ઘણી નવી બેઠકો અસ્તિત્વમાં આવવાની સાથે ઘણી બેઠકોના નામ પણ બદલાઈ જશે.
ગુજરાતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પણ બેઠકો અનામત છે. જાે વિધાનસભાની બેઠકો વધીને ૨૭૩ થાય તો અનામત બેઠકોમાં ફેરફાર થઈ શકે છે. બીજીતરફ ગુજરાત વિધાનસભાની ૨૭૩ બેઠકોમાંથી ૧/૩ એટલે કે ૯૧ બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. મહિલા અનામત લાગૂ થયા બાદ ગુજરાત વિધાનસભામાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધી જશે.
૧ મે ૧૯૬૦ના વર્ષમાં જ્યારે ગુજરાતને મહારાષ્ટ્રથી અલગ બનાવવામાં આવ્યું ત્યારે રાજ્યમાં ૧૩૨ વિધાનસભા બેઠકો હતી. ત્યારબાદ ૧૯૬૨મા ૧૫૪ બેઠકો થઈ અને ૧૯૬૭મા ધારાસભ્યોની બેઠકો વધીને ૧૬૮ પહોંચી હતી. ત્યારબાદ ૧૯૭૫મા ગુજરાતમાં ૧૮૨ ધારાસભ્યોની સંખ્યા નક્કી થઈ હતી, જે હજુ સુધી યથાવત છે.
વિધાનસભાની બેઠકોમાં ફેરફાર થવાની સાથે ગુજરાતમાં રાજ્યસભાની સીટો પણ વધી જશે. વર્તમાનમાં ગુજરાતમાં ૧૧ વિધાનસભાની બેઠકો છે, જેમાં વધારો થશે. આ સિવાય ગુજરાતમાં વર્તમાનમાં ૨૬ લોકસભા બેઠકો છે, જેની સંખ્યા વધીને ૩૯ થઈ જશે. ૨૦૨૯મા જ્યારે લોકસભા ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતમાં લોકસભા સાંસદોની સંખ્યા વધીને ૩૯ થઈ શકે છે, જેમાં ૧૩ જેટલી બેઠકો મહિલા સાંસદો માટે અનામત રહી શકે છે.





