
૧નું મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા મધ્યપ્રદેશના અનૂપપુરમાં ૪ માળની હોટલ ધરાશાયી આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં કોતમા વિસ્તારમાં આવેલી એક ચાર માળની હોટલ અચાનક ધરાશાયી થઈ ગઈ છે. આ ભયાનક દુર્ઘટનામાં હોટલની આખી ઇમારત પત્તાના મહેલની જેમ તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ ઘટનામાં કાટમાળ નીચે દટાવાને કારણે અત્યાર સુધીમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને વહીવટીતંત્રનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને રાહત-બચાવ કાર્ય તેજ ગતિએ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, કાટમાળ નીચે હજુ પણ ૬ થી ૭ જેટલા લોકો દબાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમને સુરક્ષિત બહાર કાઢવા માટે જેસીબી અને અન્ય મશીનોની મદદ લેવામાં આવી રહી છે. રાહત કામગીરીમાં ૧૦૦થી વધુ લોકો જાેડાયા છે. કાટમાળ હટાવીને લોકોને બહાર કાઢવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં એક મહિલાને સુરક્ષિત બહાર કાઢવામાં આવી છે.
આ દુર્ઘટના કોતમા બસ સ્ટેન્ડ નજીક સ્થિત ‘અગ્રવાલ લોજ‘માં બની હોવાનું જાણવા મળ્યું છે. આ બિલ્ડિંગ ૧૦ વર્ષ જૂની હતી અને તેની બાજુમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું હતું. આ દુર્ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. હાલમાં પ્રાથમિકતા કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની છે, જે બાદ ઇમારત ધરાશાયી થવા પાછળના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવશે.





