
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણે જાત જાતના ગેસના નામો સાંભળ્યા છે પણ એ ખરેખર શું છે એની ટેક્નિકલીટી આપણે જાણતા નથી. બધાની પાછળ લાગે છે ગેસ અને એ પછી પણ બધાનું ફોર્મેટ અને વપરાશ જુદા-જુદા છે. ચાલો જાણીએ એ ફોર્મેટ અને એનો વપરાશ.
LPG અર્થાત લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ:-
આ જે LPG છે એ પ્રોપેન અને બ્યુટેન નું મિશ્રણ છે. પ્રોપેન અને બ્યુટેનને દબાણ આપીને એને લિકવિડ ના સ્વરૂપમાં સિલિન્ડરમાં ભરવામાં આવે છે. આ જે ગેસ છે એ વજનવાળો હોય છે. અને એટલે જ એ લીક થતા આજુબાજુમાં પુષ્કળ નુકશાન નોતરે છે. આપણે ત્યાં LPG નો મહત્તમ ઉપયોગ કુકિંગ ગેસ તરીકે થાય છે. તો સાથોસાથ કેટલીક ઇન્ડસ્ટ્રીઝમાં પણ એનો વપરાશ કરવામાં આવે છે.
LNG અર્થાત લિક્વિફાઇડ નેચરલ ગેસ:-
આ કુદરતી ગેસ છે. જેમાં મુખ્યત્વે મિથેન છે. મિથેનને માઇનસ ૧૬૨ ડિગ્રી સેલ્સિયસે ઠંડુ કરીને લિકવિડ બનાવવામાં આવે છે જેથી એનું કદ ૬૦૦ ગણું ઘટી જાય અને શિપ દ્વારા લાંબા અંતર સુધી જઈ શકાય છે. LNG નો ઉપયોગ પાવર પ્લાન્ટ અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં મહત્તમ થાય છે તો ફર્ટિલાઇઝર બનાવવામાં પણ એનો ઉપયોગ થાય છે. LNG માટે પણ આપણે કતાર (ખાડીના દેશ) પર આધારિત છીએ.
PNG અર્થાત પાઇપ્ડ નેચરલ ગેસ:-
આ પ્યોરલી કુદરતી ગેસ છે જે પાઇપલાઇન દ્વારા સીધો ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ ગેસ વજનમાં એકદમ હળવો હોવાથી લીકેજ પછી જમીન પર રહેવાને બદલે ઉપરની દિશામાં આગળ વધી જાય છે. પરિણામે એનો વપરાશ LPG કરતા વધારે સુરક્ષિત છે. ભારત સરકાર ગેસ આધારિત અર્થતંત્ર બનાવવા માટે શહેરોમાં PNG નેટવર્ક ઝડપથી વિસ્તારી રહી છે. PNG એ હકીકતમાં લિક્વિફાઇડ નેચરલ ગેસનું ગેસ સ્વરૂપ છે. મતલબ કે આ ગેસ માટે પણ આપણે કતાર (ખાડીના દેશો) પર મદાર રાખીએ છીએ.
CNG અર્થાત કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ: –
જ્યારે કુદરતી ગેસને ખૂબ ઊંચા દબાણે દબાવવામાં આવે ત્યારે એ CNG બને છે. CNG નો ઉપયોગ વાહનોમાં પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ સ્વરૂપે ઈંધણ તરીકે કરવામાં આવે છે. એ પોલ્યુશનને ઓછું નુકસાન કરે છે અને પેટ્રોલ -ડીઝલ કરતા સસ્તો પણ છે. CNG ની બાબતમાં આપણે ૫૦% ઈમ્પોર્ટ પર આધાર રાખીએ છીએ. જ્યારે એટલો જથ્થો દેશમાં જ બનાવીએ છીએ. આ છે વિવિધ ગેસનું ગજબનાક વિશ્વ.




