
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ ૨૧ વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં બાંગ્લાદેશ સફળ ત્રણ બેટર્સની ફિફ્ટી અને મોસાદ્દેક હુસૈનની ધમાકેદાર વાપસી : ઓસ્ટ્રેલિયાનું બેટિંગ લાઇનઅપ ધ્વસ્ત બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે ઢાકાના મેદાન પર એક નવો ઇતિહાસ રચ્યો છે. ૯ જૂનના રોજ રમાયેલી વનડે મેચમાં બાંગ્લાદેશે મજબૂત ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને ૮૬ રનથી હરાવી દીધી છે. બાંગ્લાદેશ માટે આ જીત ખૂબ જ ખાસ છે, કારણ કે તેમણે ૨૧ વર્ષના લાંબા ગાળા પછી ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું છે. આ પહેલા બાંગ્લાદેશે વર્ષ ૨૦૦૫માં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં પોતાની પહેલી જીત મેળવી હતી. આ મેચમાં વરસાદ પડવાને કારણે ડકવર્થ લુઈસ (DLS) નિયમ મુજબ બાંગ્લાદેશને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૮૪ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી ટોપ ઓર્ડરમાં તંજીદ હસને ૫૪ રન અને નજમુલ હુસૈન શાંતોએ ૬૭ રનની ઇનિંગ્સ રમી હતી. જાેકે, આકર્ષણનું કેન્દ્ર ૪ વર્ષ પછી વનડે ટીમમાં વાપસી કરી રહેલો મોસાદ્દેક હુસૈન રહ્યો હતો, જેણે લોઅર ઓર્ડરમાં આવીને સૌથી વધુ ૮૬ રનની અણનમ ઇનિંગ્સ રમી ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન એલિસે સૌથી વધુ ૩ વિકેટ ઝડપી હતી, જ્યારે લિયામ સ્કોટ અને મેટ રેનશોને ૨-૨ વિકેટ મળી હતી.
૨૮૫ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ શૂન્ય રન પર જ પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી હતી અને સ્કોર ૨ રન પર પહોંચતા બીજી વિકેટ પણ પડી ગઈ હતી. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર નાહિદ રાણાએ ઘાતક બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયાના ૪ બેટર્સને આઉટ કર્યા હતા. જ્યારે મોસાદ્દેક હુસૈને બોલિંગમાં પણ કમાલ કરતા ૨ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી કેમેરોન ગ્રીને અણનમ ૫૨ રનની ફિફ્ટી ફટકારીહોવા છતાં તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહોતો. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમે ૪૨.૨ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને ૧૯૧ રન બનાવ્યા હતા, ત્યારે અચાનક જાેરદાર વરસાદ શરૂ થયો હતો. વરસાદ ન રોકાવાને કારણે આખરે ડકવર્થ લુઈસ (DLS) નિયમ લાગુ કરવામાં આવ્યો અને બાંગ્લાદેશને ૮૬ રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું. બેટિંગ અને બોલિંગ બંનેમાં અદ્ભુત પ્રદર્શન કરનાર મોસાદ્દેક હુસૈનને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. આ જીત સાથે બાંગ્લાદેશે ૩ મેચની વનડે સિરીઝમાં ૧-૦ની લીડ મેળવી લીધી છે અને સિરીઝની આગામી મેચ ૧૧ જૂને ઢાકાના આ જ મેદાન પર રમાશે.





