
સાત કલાક બાદ છોડ્યો ઈરાકના ફૂટબોલરને અમેરિકાએ એરપોર્ટ પર ડિટેઈન કરી લીધો ઇરાકના સ્ટાર સ્ટ્રાઈકર આયમેન હુસૈનની અટકાયત કરવામાં આવી હતી અને પૂછપરછ કરવામાં આવી હતી ફિફા વર્લ્ડ કપ પહેલા અમેરિકામાં એક નવો વિવાદ ફાટી નીકળ્યો છે. ઇરાકના સ્ટાર સ્ટ્રાઈકર આયમેન હુસૈનની અટકાયત કરવામાં આવી હતી અને લગભગ સાત કલાક સુધી એરપોર્ટ પર પૂછપરછ કરવામાં આવી હતી. આયમેન હુસૈન ઈરાનને મહત્વનો ફૂટબોલર છે અને તેના ગોલથી ઈરાન વર્લ્ડકપમાં સ્થાન મેળવી શક્યું હતું. તેને શનિવારે વહેલી સવારે શિકાગો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અટકાયતમાં લીધા બાદ આખરે અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.
ઇરાકી રાષ્ટ્રીય ટીમના ફોટોગ્રાફર તલાલ સલાહને પણ ૧૦ કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં રાખ્યા બાદ પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. ઇરાકી ઓલિમ્પિક સમિતિના એક અધિકારી અને રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ સાથે નજીકથી સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે લાંબી પૂછપરછ દરમિયાન હુસૈનના ફોનની પણ તપાસ કરવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય ટીમના ફોટોગ્રાફર તલાલ સલાહને ૧૦ કલાકથી વધુ સમય માટે અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. તેમના ફોનની પણ આવી જ તપાસ કરવામાં આવી હતી અને અંતે તેમને અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.” આ ઘટના અંગે ઇરાકી ફૂટબોલ એસોસિએશન તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી, જ્યારે યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ પણ અટકાયતના અહેવાલો પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી ન હતી. આ વર્ષે ફિફા વર્લ્ડ કપનું આયોજન અમેરિકા, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે કરી રહ્યા છે. ઇરાક ચાર દાયકામાં પ્રથમ વખત વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યું છે. ટીમનું નેતૃત્વ ૩૦ વર્ષીય હુસૈન કરશે તેની સાથે ઇપ્સવિચ ટાઉનનો ફોરવર્ડ અલી અલ-હમાદી અને યુવા ખેલાડીઓ અલી જસીમ અને યુસેફ અમીન પણ હશે. ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. તે ૧૨ જૂનથી અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં શરૂ થશે. આ સમયગાળા દરમિયાન ૪૮ ટીમો ટ્રોફી માટે સ્પર્ધા કરશે. જ્યારે આજેર્ન્ટિના ડિફેન્ડિંગ ચેમ્પિયન છે ત્યારે ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, સ્પેન અને પોર્ટુગલને મજબૂત દાવેદાર માનવામાં આવે છે. જર્મની અને બ્રાઝિલ પણ બધાને આશ્ચર્યચકિત કરી શકે છે અને ટ્રોફી જીતી શકે છે.





