
બાંગ્લાદેશ ક્રિકેટમાં થપ્પડકાંડ! મહિલા વર્લ્ડ કપમાં કેપ્ટન નિગાર સામે જૂનિયર્સને મારવાનો આરોપ બાંગ્લાદેશ મહિલા ટીમની અનુભવી ફાસ્ટ બોલર જહાનારા આલમે ટીમની કેપ્ટન નિગાર સુલ્તાના જાેતી પર ગંભીર આક્ષેપ કર્યો
બાંગ્લાદેશ મહિલા ટીમની અનુભવી ફાસ્ટ બોલર જહાનારા આલમે ટીમની કેપ્ટન નિગાર સુલ્તાના જાેતી પર ગંભીર આક્ષેપ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, નિગાર જુનિયર ખેલાડીઓને માર મારે છે. જાે કે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આ આરોપોને ફગાવી દીધા છે. આલમે ગતવર્ષે ડિસેમ્બરમાં આર્યલેન્ડ વિરૂદ્ધ પોતાની અંતિમ મેચ રમી હતી. તેણે બાંગ્લાદેશના સ્થાનિક મીડિયાને એક ઈન્ટરવ્યૂમાં આ પ્રકારનો આરોપ મૂક્યો હતો. તેણે કહ્યું કે, આ કોઈ નવી વાત નથી, કેપ્ટન સુલ્તાના જુનિયર્સને ઘણો માર મારે છે. વર્લ્ડ કપ દરમિયાન પણ તેણે જુનિયર્સને પ્રતાડિત કર્યા હતાં. દુબઈ પ્રવાસ દરમિયાન પણ તેણે એક જુનિયરને રૂમમાં બોલાવી લાફો ઝીકી દીધો હતો.
૩૨ વર્ષીય જહાનારા આલમે બાંગ્લાદેશ માટે ૫૨ વનડેમાં ૪૮ અને ૮૩ ટી૨૦ મેચમાં ૬૦ વિકેટ લીધી છે. તેણે કહ્યું કે, ટીમનો માહોલ છેલ્લા થોડા સમયથી ખરાબ થઈ ગયો છે. તેના લીધે મારૂ માનસિક સ્વાસ્થ્ય પણ ખોરવાયું છે. અને મેં ક્રિકેટથી દૂર રહેવાનો ર્નિણય લીધો હતો. હું એકલી જ નથી, બાંગ્લાદેશની મહિલા ટીમમાં દરેક વ્યક્તિ તેનાથી પીડિત છે. દરેકની સમસ્યા અલગ છે. અહીં એક-બે ખેલાડીઓને જ સારી સુવિધા મળે છે. અને અમુક કિસ્સામાં માત્ર એક જ ખેલાડીને તમામ સુવિધા, માન-સન્માન આપવામાં આવે છે.
આલમે જણાવ્યા પ્રમાણે, ૨૦૨૧માં કોવિડ બાદથી શરૂ થયેલા કેમ્પ દરમિયાન તેના જેવા સીનિયર ખેલાડીઓને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે તેને બાંગ્લાદેશની ત્રણ ટીમમાંથી એકમાં કેપ્ટન બનાવવામાં આવી હતી. અન્ય બે ટીમની કેપ્ટન જાેતી અને શારમિન સુલ્તાના બની હતી. બસ ત્યારથી ખેલાડીઓ પર દબાણ થઈ રહ્યું છે.
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવ્યા છે. બોર્ડે આ આરોપોને અંગત અદાવત અને ગુસ્સાનો ભાગ હોવાનું જણાવ્યું છે. આ દુર્ભાગ્યવશ છે કે, આવા અપમાનજનક અને વિવાદિત દાવાઓ એવા સમયે થઈ રહ્યા છે, જ્યારે બાંગ્લાદેશ મહિલા ટીમ આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરી રહી છે. આ આરોપોને સમર્થન આપતાં કોઈ પુરાવા નથી.




