ભાલો ફેંકીને આકાશ ચીરી દીધું… નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં કર્યો સિઝનનો બેસ્ટ થ્રો નીરજ ચોપરાએ ૮૮.૦૫ મીટરનો થ્રો કર્યો : શ્રીલંકાના રુમેશ તરંગા પથિરાગેએ ૮૮.૧૪ મીટરનો થ્રો કરી જીત મેળવી ભારતના ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાએ લુસાને ડાયમંડ લીગમાં સિઝનનો પોતાનો સવર્શ્રેષ્ઠ થ્રો કર્યો. આ સ્પર્ધામાં નીરજની ટક્કર શ્રીલંકાના રુમેશ તરંગા પથિરાગે સાથે થઈ અને તેઓ માત્ર નજીવા અંતરથી પાછળ રહી ગયા. નીરજે ૮૮.૦૫ મીટરનો થ્રો કર્યો, જ્યારે રુમેશે ૮૮.૧૪ મીટરનો થ્રો કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. ગ્રેનાડાના એન્ડરસન પીટર્સે આ સિઝનના પોતાના શ્રેષ્ઠ ૮૬.૬૯ મીટરના પ્રદર્શન સાથે ત્રીજું સ્થાન મેળવ્યું. આ રીતે નીરજ ચોપરા લુસાને ડાયમંડ લીગમાં બીજા સ્થાને રહ્યા.
શ્રીલંકાના રુમેશ માટે આ સિઝન શાનદાર રહી છે. આ સિઝનમાં રુમેશે નીરજ ચોપરાને ત્રીજી વખત હરાવ્યા છે. શુક્રવાર મોડી રાત્રે યોજાયેલી આ સ્પર્ધામાં થોડા સમય માટે એવું લાગ્યું હતું કે નીરજ ચોપરાએ પોતાના પ્રતિસ્પર્ધી રુમેશને હરાવી દીધા છે. કારણ કે બીજા રાઉન્ડમાં નીરજે શાનદાર થ્રો કરીને મોટી લીડ મેળવી લીધી હતી. પરંતુ અંતિમ રાઉન્ડમાં શ્રીલંકાના ભાલાફેંક સ્ટારે જબરદસ્ત પ્રદર્શન કરીને નીરજને પાછળ છોડી દીધા અને પ્રથમ સ્થાન મેળવી લીધું.
લુસાને ડાયમંડ લીગમાં નીરજે પોતાના પ્રથમ રાઉન્ડમાં ૮૩.૫૪ મીટરના થ્રો સાથે શરૂઆત કરી હતી. પ્રથમ રાઉન્ડના પોતાના ત્રીજા પ્રયાસમાં નીરજે ૮૩.૭૨ મીટરનો થ્રો કર્યો અને પ્રથમ રાઉન્ડમાં તેઓ સૌથી આગળ રહ્યા હતા. જાેકે, બીજા રાઉન્ડના થ્રોમાં નીરજ પાછળ રહી ગયા. પથિરાગેએ પોતાના ત્રીજા પ્રયાસમાં ૮૮.૧૪ મીટરનો થ્રો કરીને જાેરદાર વાપસી કરી અને અંત સુધી પોતાની આ લીડ જાળવી રાખી, જેના કારણે તેમણે પ્રથમ સ્થાન મેળવ્યું.
જાેકે, નીરજ ચોપરા ખૂબ જ ઓછા અંતરથી જીતથી ચૂકી ગયા, તેમ છતાં આ પરિણામ તેમના ડાયમંડ લીગ અભિયાન માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. લુસાને મીટનું વિશેષ મહત્વ એટલા માટે હતું કે ચોપરા આ સ્પર્ધા પહેલાં માત્ર પાંચ પોઈન્ટ સાથે સિઝનની ટેબલમાં સાતમા સ્થાને હતા અને તેઓ ડાયમંડ લીગ ફાઇનલ માટે ક્વોલિફાય થયા નહોતા.
તમને જણાવી દઈએ કે સિઝનના અંતે યોજાનારી ડાયમંડ લીગ ફાઇનલ માટે માત્ર ટોપ-૬ ભાલાફેંક એથ્લેટ્સ જ સીધા ક્વોલિફાય થાય છે, જ્યારે વધારાની કોઈપણ જગ્યા વાઇલ્ડકાર્ડ પસંદગી પર આધારિત હોય છે. તેથી લુસાનેમાં મળેલું નીરજનું બીજું સ્થાન તેમને ઝ્યુરિખમાં યોજાનારી અંતિમ ક્વોલિફાઇંગ ઇવેન્ટ પહેલાં ડાયમંડ લીગ ફાઇનલમાં સ્થાન મેળવવાની રેસમાં મજબૂત સ્થિતિમાં રાખે છે.





