
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર.ઉત્તરના રાજ્યોને ગરમીથી રાહત મળશે આજે વરસાદ થશે.બાંદામાં સૌથી વધુ ૪૭.૬ ડિગ્રી તાપમાન: ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ્સ’ કાર્યરત કરવા રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને આદેશ.ઉત્તર ભારતના રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે મંગળવારે દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી સાથે તાપમાનમાં થોડી રાહત મળવાની શક્યતા છે. સોમવારે અનેક વિસ્તારોમાં આકરી ગરમીથી કોઈ રાહત મળી ન હતી, જેના કારણે રહેવાસીઓએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર પ્રદેશનું બાંદા ૪૭.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું, જે સામાન્ય કરતા ૫.૪ ડિગ્રી વધુ હતું.મહારાષ્ટ્રના અકોલામાં ૪૬.૯ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે નાગપુર અને વિદર્ભના અન્ય ભાગોમાં ગંભીર હીટવેવની સ્થિતિ જાેવા મળી હતી. આ ઉપરાંત, રાજસ્થાનના જેસલમેરમાં મહત્તમ તાપમાન ૪૬.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિયાણા અને પંજાબમાં પણ ગરમ હવામાન રહ્યું હતું, જેમાં રોહતકમાં મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું હતું.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પંજાબમાં બઠિંડા ૪૩ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. દિલ્હીમાં હવામાન વિભાગે સોમવાર માટે હીટવેવ જેવી સ્થિતિ માટે ‘યલો એલર્ટ’ જાહેર કર્યું હતું, જ્યાં મહત્તમ તાપમાન ૪૨.૩ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. દરમિયાન, કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ આરોગ્ય સુવિધાઓ પર સમર્પિત ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ યુનિટ્સ’ કાર્યરત કરવા અને એમ્બ્યુલન્સ સેવાઓની પૂરતી તૈયારી રાખવા જણાવ્યું છે.કેન્દ્રીય આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને વહેલી ચેતવણીઓ આપવા અને હીટસ્ટ્રોકના કેસોનું સમયસર રિપોર્ટિંગ કરવા પર ભાર મૂક્યો હતો. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બુધવારે કરા પડી શકે છે.IMD એ લોકોને ઝાડ નીચે આશ્રય લેવાનું ટાળવા, ઇલેક્ટ્રિક ઉપકરણો અનપ્લગ કરવા અને ખરાબ હવામાન પ્રત્યે સતર્ક રહેવાની સલાહ આપી છે.





