
IPL 2025 માં 15મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં સનરાઇઝર્સને સતત ત્રીજી હારનો સામનો કરવો પડ્યો. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે હૈદરાબાદને 80 રનથી હરાવ્યું. આ મેચમાં, શ્રીલંકાના ખેલાડીને પહેલીવાર IPLમાં રમવાની તક મળી અને આ ખેલાડીએ પોતાની ડેબ્યૂ મેચમાં જ ઇતિહાસ રચી દીધો. આજ સુધી, IPLના 17 વર્ષના ઇતિહાસમાં આ સિદ્ધિ જોવા મળી નથી.
પહેલી વાર કોઈ બોલરે બંને હાથે બોલિંગ કરી
ખરેખર, આ મેચમાં, શ્રીલંકાના સ્પિન બોલર કમિન્ડુ મેન્ડિસને સનરાઇઝર્સ હૈદરાબાદ માટે IPL ડેબ્યૂ કરવાની તક મળી. આ ખેલાડીને સનરાઇઝર્સે IPL 2025 મેગા ઓક્શનમાં 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. પહેલી જ મેચમાં મેન્ડિસે કંઈક એવું અદ્ભુત કર્યું જે આજ સુધી IPLમાં ક્યારેય જોવા મળ્યું નથી. આ મેચમાં મેન્ડિસ બંને હાથે બોલિંગ કરતો જોવા મળ્યો હતો.
શાનદાર સિદ્ધિ
KKR ની બેટિંગ દરમિયાન, જ્યારે વેંકટેશ ઐયર અને અંગક્રિશ રઘુવંશી બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે મેન્ડિસે આ બંને બેટ્સમેનોને અલગ અલગ હાથથી બોલિંગ કરી. ઐયર ડાબા હાથનો બેટ્સમેન છે, તેથી મેન્ડિસ તેને જમણા હાથથી બોલિંગ કરતો હતો, બીજી તરફ રઘુવંશી જમણા હાથનો બેટ્સમેન છે, તેથી મેન્ડિસ તેને ડાબા હાથથી બોલિંગ કરતો હતો. મેન્ડિસને બંને હાથે બોલિંગ કરતા જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
સનરાઇઝર્સ હૈદરાબાદનો ત્રીજો પરાજય
આ મેચમાં, KKR એ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 200 રન બનાવ્યા. KKR તરફથી વેંકટેશ ઐયરે 29 બોલમાં 60 રનની ઇનિંગ રમી. આ સિવાય અંગક્રિશ રઘુવંશીએ 50 રન બનાવ્યા હતા. ૨૦૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની આખી ટીમ ૧૬.૪ ઓવરમાં માત્ર ૧૨૦ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. KKR તરફથી બોલિંગ કરતા વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીએ 3-3 વિકેટ લીધી.




