
૯ નવી મનપાઓ સહિત વિવિધ વિભાગોમાં ૨૭૯ જગ્યાઓ માટે ભરતી જાહેર ૧૬ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે અને ૨૬ એપ્રિલે પરીક્ષા લેવાશે
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યના વિવિધ વિભાગો અને નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ ૨૩ સંવર્ગની ૨૭૯ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ભરતીમાં પ્રથમવાર ઘણી નવી પદ્ધતિઓનો અમલ કરવામાં આવ્યો છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી, ૯ નવી મહાનગરપાલિકાઓ, પાણી પુરવઠા વિભાગ, હાઉસિંગ બોર્ડ તથા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગનો સમાવેશ થાય છે.
જેમાં મેડિકલ ઓફિસર, ટાઉન પ્લાનર, અધિક સિટી ઇજનેર અને તબીબી અધિકારી જેવી ૧૩ અલગ-અલગ કેડરની જગ્યાઓ ભરવામાં આવશે.
GPSC એ ઉમેદવારોની સુવિધા માટે પ્રથમવાર પરમેનેન્ટ વન ટાઈમ રજિસ્ટ્રેશન પદ્ધતિ ફરજિયાત કરી છે, જે મોબાઈલ નંબરના આધારે હાથ ધરાશે. આ ઉપરાંત, પરીક્ષા અને ઇન્ટરવ્યુ બાદ પ્રથમવાર ‘કાઉન્સિલિંગ‘ પ્રક્રિયા કરવામાં આવશે. જેમાં મેરિટના આધારે ઉમેદવારો પોતાની પસંદગીની મહાનગરપાલિકામાં પોસ્ટિંગ મેળવી શકશે. ૯ મનપાઓની ૨૦૨ જગ્યાઓ માટે ઉમેદવારોને પ્રેફરન્સ (પસંદગી) આપવાની તક મળશે.




