
CCI ની તમામ શરતો સ્વીકારી,સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ વ્હોટ્સએપ-મેટા ઘૂંટણીયે!.યુઝર્સનો ડેટા સુરક્ષિત હોવાનું આપ્યું આશ્વાસન.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના કડક વલણ બાદ વ્હોટ્સએપ અને મેટાએ CCI ના આદેશને સ્વીકારી લીધા છે. હવે જાહેરાત માટે ડેટા શેરિંગ પર યુઝર્સનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ભરોસો અપાવ્યો છે કે ૧૬ માર્ચ ૨૦૨૬ સુધી પ્રાયવસી સુરક્ષાના તમામ નિયમ લાગુ કરી દેવામાં આવશે. કોર્ટે કંપનીની રોક લગાવનારી અરજી ફગાવી દીધી છે. આ ચુકાદો ભારતીય યુઝર્સની ડિજિટલ ગોપનિયતા માટે મોટી જીતના રૂપે જાેવાઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં વ્હોટ્સએપએ કહ્યું કે હવે લોકોની પ્રાયવેટ જાણકારી કોઈની જાગીર નહીં હોય, કોર્ટમાં વ્હોટ્સએપ તરફથી રજૂઆત કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, હવે વ્હોટ્સએપ અને મેટા કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા(CCI)ના આદેશનું સંપૂર્ણ રીતે પાલન કરશે. યુઝર્સને તેમના ડેટાને અન્ય મેટા કંપની( ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) સાથે શેર કરવા પર વધારે નિયંત્રણ મળશે.
સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ વ્હોટ્સએપ અને તેને સંલગ્ન કંપની મેટાએ હથિયાર હેઠા મૂકી દીધા છે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલ અને કંપની તરફથી ભરોસો આપવામાં આવ્યો છે કે વ્હોટ્સએપ જાહેરાત સંબંધીત ડેટા શેરિંગ પર CCI ના તમામ સુરક્ષા ઉપાયો અને NCLATના આદેશનું પાલન કરશે. આથી હવે ભારતીય યુઝર્સની ગોપનિયતા જળવાશે, ડેટા શેરિંગ પર યુઝર્સનું જ નિયંત્રણ હશે. ૧૬ માર્ચ ૨૦૨૬ સુધી પ્રાયવસી સુરક્ષાના તમામ નિયમ લાગુ થઈ જશે.
હવે CCI સમક્ષ એક પાલન સોગંદનામું પણ ફાઇલ કરવું પડશે. જાે કે આ કેસ સાથે જાેડાયેલા મુખ્ય કાયદાકીય મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યથાવત્ રહેશે, હાલમાં તાત્કાલિક પ્રભાવથી વ્હોટ્સએપે તેમની પ્રાયવસી નીતિઓમાં ફેરફાર કરી યુઝર્સને સહમતિનો વિકલ્પ આપવો પડશે.
વ્હોટ્સએપ તેની ૨૦૨૧ની પ્રાયવસી પોલિસી દ્વારા યુઝર્સનો અંગત ડેટા તેની જ અન્ય કંપનીઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરવા માંગતું હતું. CCI એ તેને યુઝર્સના અધિકારોનું હનન ગણાવીને તેના પર રોક લગાવી હતી. જે બાદ વ્હોટ્સએપે CCI ના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સ્ટેની માંગ કરી હતી. જાેકે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ભારતના કાયદા માનો અથવા તો દેશ છોડી દો! જે બાદ હવે વ્હોટ્સએપ તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે છેવટે કોર્ટમાં સ્વીકાર્યું છે કે કંપની CCI ના તમામ નિયમોનું પાલન કરશે. તેમણે જાહેરાત કરી કે ૧૬ માર્ચ ૨૦૨૬ સુધીમાં તમામ ફેરફારો લાગુ કરી દેવામાં આવશે.




